પોલિયોગ્રસ્ત મહિલાનું મતદાનકેન્દ્ર ઘરથી ૧૨ કિલોમીટર દૂર, સાથે રહેતી મમ્મીનું પોલિંગ-બૂથ બે કિલોમીટર દૂર
ગઈ કાલે ડોમ્બિવલીમાં અર્ચના ઠક્કરનાં ૮૦ વર્ષનાં મમ્મી મીનાક્ષીબહેને વોટિંગ કર્યું હતું.
છેલ્લાં ૨૦ વર્ષથી શારીરિક તકલીફ હોવા છતાં અચૂક મતદાન કરતાં ૪૫ વર્ષનાં પોલિયોગ્રસ્ત અર્ચના ઠક્કર આ વખતે ચૂંટણી-અધિકારીઓની ગંભીર બેદરકારીને કારણે મતદાનથી વંચિત રહ્યાં છે. અર્ચનાબહેન પોલિયોને કારણે ચાલી શકતાં નથી અને ૮૦ વર્ષનાં મમ્મી મીનાક્ષીબહેન સાથે રહે છે. આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે એક જ ઘરમાં રહેતા હોવા છતાં માતા-પુત્રીનાં મતદાનકેન્દ્રો અલગ-અલગ હતાં.
ડોમ્બિવલીના તિલકનગરમાં રહેતાં અર્ચના ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને ઘણું દુઃખ થાય છે કે હું આ વખતે વોટ ન આપી શકી. હું ૨૦ વર્ષથી ક્યારેય મતદાન ચૂકી નથી, પણ આ વખતે તંત્રએ મને લાચાર બનાવી દીધી. ૧૨ કિલોમીટર દૂર જવું મારા માટે અશક્ય હતું. હું મારી મમ્મી સાથે રહું છું. મારા અને મમ્મીના વોટિંગ કાર્ડ પર ઍડ્રેસ સેમ છે છતાં બન્નેનું મતદાનકેન્દ્ર છેલ્લા કેટલાક વખતથી અલગ-અલગ આવી રહ્યું છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મેં ચૂંટણી-વિભાગ અને સ્થાનિક KDMC તંત્રને પત્ર લખીને અમારા બન્નેની અવસ્થા કહીને નજીકના વિસ્તારમાં મતદાનકેન્દ્ર આપવા માટેની માગણી કરી હતી, પણ આ વખતે મમ્મીનું વોટિંગ સેન્ટર બે કિલોમીટર દૂર હતું અને મારું મતદાનકેન્દ્ર ૧૨ કિલોમીટર દૂર આવ્યું હતું. હું ચાલી શકતી નથી એથી રિક્ષા કે કારમાં ૧૨ કિલોમીટરની મુસાફરી કરવી અત્યંત કષ્ટદાયક અને જોખમી હતી. વ્હીલચૅર પર નિર્ભર હોવાને કારણે અને યોગ્ય પરિવહન-વ્યવસ્થાના અભાવે હું મતદાનકેન્દ્ર સુધી પહોંચી નહોતી શકી. છેલ્લા બે દાયકાથી શારીરિક પીડા છતાં હું વોટ આપવા જાઉં છું, પણ આ વખતે વહીવટી છબરડાને કારણે ઘરે બેસી રહેવું પડ્યું જેનો મને ભારે રંજ છે. આ બધા વચ્ચે મેં મારા કૅરટેકરની મદદથી મારી મમ્મીને વોટિંગ સેન્ટર સુધી પહોંચાડતાં તેમણે વોટિંગ કર્યું હતું. દિવ્યાંગો માટે મોટી વાતો કરતી સરકાર વાસ્તવિકતામાં તેમને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે.’


