BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ ઘાટકોપરના ઘટનાસ્થળે જઈને કામનું નિરીક્ષણ કર્યું
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર અને ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણી
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર અને ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણી ગઈ કાલે ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટનાની માહિતી મેળવવા સ્પૉટ પર પહોંચી ગયા હતા અને શું કામ ચાલી રહ્યું છે તથા કઈ રીતે ચાલી રહ્યું છે એનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જૉઇન્ટ મ્યુનિસિપલ કમિશનર ચંદ્રશેખર ચૌરે, ઝોન-૬ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમાકાંત બિરાદર, ડેપ્યુટી કમિશનર (સ્પેશ્યલ) કિરણ દિઘાવકર, અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (એન વૉર્ડ) ગજાનન બેલાળે અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ૧૨૦x૧૨૦ ફુટના હોર્ડિંગને ગેરકાયદે જાહેર કરતાં કહ્યું હતું કે અમે એ અને એના જેવાં અન્ય સ્ટ્રક્ચર્સ બાંધવાની પરવાનગી ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીને આપી નથી. BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ કહ્યું હતું કે ‘અમે શહેરમાં લગાડાયેલાં બધાં જ ગેરકાયદે હોર્ડિંગ્સ કાઢી લેવાની કાર્યવાહી શરૂ કરી છે. તૂટી પડેલા આ હોર્ડિંગ માટે પણ પરવાનગી લેવાઈ નહોતી એટલે એ બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત આ હોર્ડિંગ લોકોને બરોબર દેખાય એ માટે એની આડે આવતાં વૃક્ષોને કાપી નખાયાં હોવાની ફરિયાદ થતાં અમે એ સંદર્ભે પણ કેસ નોંધ્યો છે.’
અમે ઍડ એજન્સી સામે પગલાં લઈએ એ પહેલાં જ દુર્ઘટના બની : GRP
ઘાટકોપરમાં હોર્ડિંગ પડવાની ઘટના બાદ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) દ્વારા કહેવામાં આવ્યું છે કે ગયા અઠવાડિયે જ તેમણે મેસર્સ ઈગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડના માલિક ભાવેશ ભિંડેને એ હોર્ડિંગ દેખાય એ માટે એની સામેનાં વૃક્ષોને ડૅમેજ કરવા સંદર્ભે પત્ર લખ્યો હતો. ગવર્નમેન્ટ રેલવે પોલીસના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ઍડ્મિન) દ્વારા ઇશ્યુ કરાયેલા સ્ટેટમેન્ટમાં કહેવાયું હતું કે ‘હોર્ડિંગ દેખાય એ માટે એની સામેનાં વૃક્ષોને ડૅમેજ કરવામાં આવ્યાં છે એ સંદર્ભનો લેટર અમને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) તરફથી મળ્યો હતો. એ પછી અમે ઍડ એજન્સી સામે કાર્યવાહી શરૂ કરી હતી. જોકે એની સામે કોઈ પગલાં લઈએ એ પહેલાં જ આ દુર્ઘટના બની ગઈ.’
બાકીનાં ત્રણ હોર્ડિંગ ઉતારી લેવાની કાર્યવાહી શરૂ થઈ
હોર્ડિંગ જ્યાં લગાવવામાં આવ્યું હતું એ જગ્યા રેલવે પોલીસની હતી અને કુલ ચાર હોર્ડિંગ નિયમો ચાતરીને લગાવવામાં આવ્યાં હતાં. સોમવારે બનેલી હોર્ડિંગ તૂટી પડવાની ગમખ્વાર ઘટના બાદ BMCએ ગઈ કાલે બાકીનાં ત્રણ હોર્ડિંગ ઉતારી લેવાનું શરૂ કર્યું હતું. એ હોર્ડિંગ્સ રેલવે-પોલીસની પરવાનગીથી લગાવવામાં આવ્યાં હતાં એ ખરું, પણ એ લગાવવામાં નિયમોનો ભંગ થઈ રહ્યો હતો એવી જાણ હોવા છતાં માત્ર લેટર લખીને સમાધાન માનનાર BMCની પણ ટીકા થઈ રહી છે. BMCના ડેપ્યુટી કમિશનર કિરણ દિઘાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ તો અમે અન્ય ત્રણ ગેરકાયદે હોર્ડિંગ અમારી રીતે ઉતારી રહ્યા છીએ. જોકે પાછળથી એ ત્યાંથી હટાવવાનો જે કંઈ ખર્ચ થશે એ ઍડ એજન્સી પાસેથી વસૂલ કરવામાં આવશે. તૂટી પડેલા હોર્ડિંગના કાટમાળને હટાવવાની કામગીરી ચાલી રહી છે. હવે એની હેઠળ કોઈ ફસાયું ન હોવાનું સ્પષ્ટ થતાં એ કામગીરી વધુ ઝડપથી હાથ ધરી શકાશે.’