સંજય શિરસાટે કહ્યું હતું કે ‘BJPનું આ વિસ્તારમાં ધીમે-ધીમે જોર વધી રહ્યું છે એથી એણે અમારી સાથે યુતિ કરવાનું ટાળ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
રાજ્ય સરકારમાં મહાયુતિની સત્તા છે અને એના સાથી-પક્ષો ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) પણ મહાનગરપાલિકાની ચૂંટણી સાથે મળી લડશે એવું ચર્ચાઈ રહ્યું હતું, પણ હવે મહાનગરપાલિકાની ચૂંટણીનાં ફૉર્મ ભરવાના છેલ્લા દિવસે ચિત્ર ઘણી જગ્યાએ બદલાઈ ગયું છે. પુણે અને સંભાજીનગરમાં BJP અને શિવસેના અલગ-અલગ ચૂંટણી લડવાનાં છે. હવે બન્ને પક્ષના નેતાઓ એ માટે એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.
છત્રપતિ સંભાજીનગરને લઈને શિવસેનાના વિધાનસભ્ય અને નેતા સંજય શિરસાટે કહ્યું હતું કે ‘BJPનું આ વિસ્તારમાં ધીમે-ધીમે જોર વધી રહ્યું છે એથી એણે અમારી સાથે યુતિ કરવાનું ટાળ્યું છે. અમે અને અમારા કાર્યકરો સતત યુતિ થાય એ માટેના પ્રયત્ન કરી રહ્યા હતા. મતદારોમાં પણ યુતિને સમર્થન આપશે એવી લાગણી જોવા મળી હતી છતાં BJPના કેટલાક સ્થાનિક નેતાઓએ જાણીજાઈને યુતિ તોડી નાખી છે. અમને યુતિ તૂટતાં દુઃખ થયું છે. અમે જે બેઠકો બદલ અસમંજસમાં હતા અને મડાગાંઠ સર્જાઈ એ માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ વાતચીત કરી હતી છતાં એનો ઉકેલ ન આવ્યો. BJP એક બાજુ અમારી સાથે બેઠક-વહેંચણી બાબતે ચર્ચાનો દોર ચલાવી રહી હતી અને બીજી બાજુ તેમના જ ઉમેદવારોને લડવા માટે તૈયાર કરી રહી હતી. પોતાનો લાભ જોઈને અમને અંધારામાં રાખ્યા. શિવસેનાએ પણ પછી એના બધા ઉમેદવારોને ફૉર્મ ભરવાનું કહી દીધું. જો BJP અમારા પર કાદવ ઉછાળશે તો અમે પણ સામે એમ જ કરીશું.’


