બેસ્ટના ખાનગી ઑપરેટરોના ઘણા કર્મચારીઓ હજી પણ કામ પર જોડાયા નથી : પબ્લિક ટ્રાન્સપોર્ટરનો દાવો છે કે ૯૭.૫ ટકા બસ રસ્તા પર દોડી રહી છે
બસ વપરાશકર્તાઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
બેસ્ટની બસના ખાનગી ઑપરેટરોના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરનારાઓએ તેમની અઠવાડિયાની હડતાળને પાછી ખેંચી લેવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ બુધવારે સવારે ઘણા કૉન્ટ્રૅક્ટ પરના કર્મચારીઓએ હજી સુધી રીજૉઇન કર્યું નથી.
બેસ્ટના પ્રવક્તા સુનીલ વૈદ્યે જણાવ્યું હતું કે ‘તેમની આશરે ૮૫ ટકા વૅટ લીઝ બસો ખાનગી બસ ઑપરેટરોના ડ્રાઇવરો દ્વારા ચલાવવામાં આવી રહી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટર એના કાફલામાં ૩,૦૪૦ બસમાંથી ૯૭.૫ ટકાનું સંચાલન કરે છે, જેમાં વૅટ-લીઝવાળી અને બેસ્ટની માલિકીની બસોનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં ૧૦૦ ટકા બસ ખાનગી બસ ઑપરેટર્સના કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવે એવી અપેક્ષા છે.’
ADVERTISEMENT
મુંબઈ અને નજીકના વિસ્તારમાં પબ્લિક બસ-સર્વિસ પૂરી પાડતી બેસ્ટે વૅટ લીઝ મૉડલ અંતર્ગત કૉન્ટ્રૅક્ટરો પાસેથી ૧,૬૦૦થી વધુ બસ ભાડે લીધી છે. એમાં વાહનની માલિકી, જાળવણી, ફ્યુઅલ અને ડ્રાઇવરનો ખર્ચ ખાનગી ઑપરેટરોની જવાબદારી છે. ખાનગી બસ ઑપરેટરોના ડ્રાઇવરો સહિતના કર્મચારીઓ, પગારવધારો અને બેસ્ટના કર્મચારીઓની સમાનતા સહિતની માગણીઓને લઈને આંદોલન કરી રહ્યા હતા. હડતાળ દરમિયાન બેસ્ટે એના પોતાના ડ્રાઇવરોનો ઉપયોગ કરીને ૬૦૦થી વધુ વૅટ લીઝ બસ ચલાવી હતી.
મંગળવારે બપોરે આંદોલનકારી કૉન્ટ્રૅક્ટ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા લોકોએ જાહેરાત કરી હતી કે બીજી ઑગસ્ટે શરૂ થયેલી તેમની હડતાળ સોમવારે રાત્રે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથેની બેઠક બાદ પાછી ખેંચી લેવામાં આવી છે. બાદમાં જારી કરાયેલા એક અખબારી નિવેદનમાં તેમણે એવો પણ દાવો કર્યો હતો કે એકનાથ શિંદેએ પગારવધારા સહિતની તેમની માગણીઓ સ્વીકારી લીધી છે અને એને પૂરી કરવાનું વચન આપ્યું છે.
ખાનગી બસ ઑપરેટરોના કર્મચારીઓના એક જૂથના સંયોજક વિકાસ ખરમાલેએ જણાવ્યું હતું કે સરકાર તરફથી લેખિત ખાતરીની ગેરહાજરીમાં ઘણા કર્મચારીઓ ફરજ પર પાછા ફરવા માટે અનિચ્છા અનુભવે છે.
બેસ્ટના પ્રવક્તા સુનીલ વૈદ્યના જણાવ્યા અનુસાર બેસ્ટે મુસાફરોની સુવિધા માટે રાજ્યની માલિકીની મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એમએસઆરટીસી)ની ૨૧૨ બસ પણ ચલાવી હતી. ખાનગી બસ ઑપરેટરોના કર્મચારીઓએ તેમની હડતાળને વધુ તીવ્ર બનાવ્યા બાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ બૉડીની વિનંતી પર એમએસઆરટીસી બેસ્ટના વિવિધ રૂટ પર દરરોજ એની ૧૦૦થી ૨૨૫ બસ ઑપરેટ કરી રહી છે.
હડતાળ દરમિયાન લાખો બસ વપરાશકર્તાઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


