પૅસેન્જરો અને સ્ટાફનાં એ માટેનાં સૂચનો કચરાટોપલીમાં ગયાં હોવાનો મત

ઈવી ડબલ ડેકર બસ
બેસ્ટના કાફલામાં વાજતે-ગાજતે ઈવી ડબલ ડેકર બસને ૨૧ ફેબ્રુઆરીથી સામેલ તો કરાઈ, પણ એ પહેલી ડબલ ડેકરમાં અનેક નાની-મોટી ખામીઓ પૅસેન્જરો અને ડ્રાઇવર તથા કન્ડક્ટરને સેફ્ટી અને કમ્ફર્ટ બાબતે જણાઈ આવી હતી. એથી એને સુધારી લેવા બેસ્ટને કહેવામાં આવ્યું હતું અને બીજી બસો એ ખામી વગર આવે એવી અપેક્ષા પૅસેન્જરો અને સ્ટાફે (કન્ડક્ટર અને ડ્રાઇવરે) રાખી હતી. જોકે બીજી ઈવી બસ જે હવે રૂટ-નંબર ૧૩૮ (સીએસએમટીથી બૅકબે ડેપો) પર ચાલુ કરાઈ છે એમાં એ ખામીઓ જેમની તેમ છે. એમાં બહુ મામૂલી સુધારો કરાયો છે એટલે પૅસેન્જરો અને સ્ટાફનાં સૂચનોને બેસ્ટ દ્વારા કચરાટોપલી દેખાડવામાં આવી હોવાની ભાવના તેમને થઈ રહી છે.
ઈવી ડબલ ડેકર બસમાં ડ્રાઇવર પાસે રાખવામાં આવેલી ઘંટડી આગળના દરવાજા પાસે જ ફિટ કરાઈ છે. એથી જો કોઈ ઊંચો પૅસેન્જર હોય તો તેને એ વાગે છે. એથી એ ઘંટડીની પોઝિશન બદલવાનું સૂચન હતું. એ શિફ્ટ તો કરાઈ, પરંતુ એ પોઝિશન પણ તકલીફદાયક જ છે. બીજું, ડ્રાઇવરને પાછળથી આવતાં વાહનો જોવાનો જે રેઅર-વ્યુ મિરર હોય છે એ જનરલી આગળની વિન્ડસ્ક્રીનની બાજુમાં જ હોય છે જેથી એના પર માત્ર નજર નાખવાથી પાછળનું વાહન દેખાય છે. આ નવી ડબલ ડેકર બસમાં એ રેઅર-વ્યુ મિરર ડ્રાઇવર સાઇડના દરવાજા પર બેસાડાયો છે. એથી પાછળથી વાહન આવે છે કે નહીં એ જોવા ડ્રાઇવરે તેનું ધ્યાન સામેથી હટાવી માથું સહેજ ફેરવી એ અરીસામાં જોવું પડે છે. ડ્રાઇવરે રેઅર-વ્યુમાં જોવા માથું ફેરવવું પડે છે એટલે એથી દુર્ઘટનાની શક્યતાઓ વધી જાય છે. આ એક મહત્ત્વનો સેફ્ટી ઇશ્યુ છે.