શંકાના આધારે પોલીસે તપાસ કરી તો કોઈ દસ્તાવેજ ન મળ્યા, બંગલાદેશી હોવાનો ખુલાસો થયો
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસે ભારતમાં ગેરકાયદે રહેતી ૩૬ વર્ષની બંગલાદેશી મહિલા ઝરીના ખાતૂનની સઘન પૂછપરછ કરી હતી. પૂછપરછ પછી દેવનાર પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેના દેશનિકાલની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે આ મહિલા માન્ય દસ્તાવેજો વિના ભારતમાં ફરી રહી હતી. પોલીસને આ મહિલાની બંગલાદેશી ઓળખના પુરાવા પણ મળ્યા હતા. પોલીસ તેની સાથે મુંબઈ કોઈ બીજું આવ્યું છે કે કેમ એ તપાસ કરવા માટે પૂછપરછ કરી રહી છે. આ પહેલાં ગયા મહિને જોગેશ્વરી પોલીસે પણ ગેરકાયદે રહેતા કુલ પાંચ બંગલાદેશી નાગરિકોની અટકાયત કરી હતી. ભારતમાં ગેરકાયદે પ્રવેશતા બંગલાદેશીઓ સામે સમગ્ર મુંબઈમાં પોલીસ સતર્ક છે અને આવા કેસો પર દેખરેખ વધારી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે. ઝરીના ખાતૂન સહિત અટકાયતમાં લેવાયેલા ગેરકાયદે વિદેશી નાગરિકોના કેસોની સઘન તપાસ ચાલી રહી છે.


