આવો આક્રોશ છે બૅન્ડસ્ટૅન્ડમાં જીવ ગુમાવનાર એમબીબીએસની સ્ટુડન્ટના પપ્પાનો : તેઓ એ વખતે તેનાથી ત્રણ કિલોમીટર જ દૂર હતા

આરોપીના ફોનની લાઇટ દેખાઈ રહી છે તાજ લેન્ડ્સ એન્ડના સીસીટીવી ફુટેજના સ્ક્રીન શૉટમાંથી. આરોપીએ બરાબર આ જ સમયે સ્ટુડન્ટ સાથે સેલ્ફી લીધો હતો.
મુંબઈ : ૨૨ વર્ષની એમબીબીએસની સ્ટુડન્ટના પપ્પા ૨૦૨૧ની ૨૯મીએ રાતે તેનાથી માત્ર ૩ કિલોમીટર દૂર હતા. દીકરી કૉલેજમાં પરીક્ષા આપવા નથી ગઈ એ વિશે ખબર પડતાં પપ્પાએ સાંજે બોઇસર પોલીસનો સંપર્ક કર્યો હતો ત્યારે તે સાંજે બાંદરામાં હોવાની માહિતી મળી હતી. પરિણામે બે પોલીસ-કર્મચારી સાથે તરત બાંદરા આવવા રવાના થયા હતા. તેમણે કરેલા દાવા મુજબ જો પોલીસે તરત કાર્યવાહી કરી હોત તો મોડી રાતે ૨.૨૪ વાગ્યા સુધી તેને શોધી કાઢી હોત. ત્યારે જ તેણે આ કેસના મુખ્ય આરોપી સાથે ફોટો પણ લીધો હતો. પપ્પા બોઇસર પોલીસ સાથે ૨૯મીએ રાતે ૧૧ વાગ્યે બાંદરા પહોંચ્યા હતા એ વખતે દરિયામાં મોટી ભરતી હતી. પપ્પા દીકરીને જ્યાં શોધી રહ્યા હતા ત્યાંથી માત્ર ૨.૬ કિલોમીટર દૂર આરોપી મિઠ્ઠુ સિંહે તેમની દીકરી સાથે ફોટો લીધો હતો. મરનાર યુવતીના ભાઈએ જણાવ્યા પ્રમાણે બોઇસર પોલીસે ૨૯ નવેમ્બરે ૧૧.૨૯ વાગ્યે ફરિયાદ નોંધી હતી. ત્યાર બાદ ૯ ડિસેમ્બરે એને ઝીરો એફઆઇઆરમાં કન્વર્ટ કરીને બાંદરા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાઈ હતી.
બાંદરા પોલીસે જણાવ્યા પ્રમાણે હત્યારા બૉડીગાર્ડ મિરઠ્ઠુ સિંહને વિશ્વાસ હતો કે તેનું આ કૃત્ય સીસીટીવીમાં નહીં આવે, પરંતુ તેણે જ્યારે યુવતી સાથે ફોટો પડાવ્યો હતો એ સીસીટીવી કૅમેરામાં આવી ગયો હતો. કૅમેરામાં ફોટો આવ્યો હોવા છતાં પોલીસે આરોપી મીઠ્ઠુ સિંહ સામે કાર્યવાહી એ સમયે નહોતી કરી.