આરટીઓના નામે સાંજના સમયે બીકેસીથી શૅરિંગમાં પ્રવાસીઓ પાસેથી ૩૦ રૂપિયા વસૂલ કરી શકે છે એવાં બોર્ડ માર્યાં

ઑટો માફિયા દ્વારા બાંદરા સ્ટેશનના પરિસરમાં શૅરિંગ ઑટોના રેટ-કાર્ડનું લગાવવામાં આવેલું પોસ્ટર
મુંબઈ : દેખરેખના અભાવે રિક્ષા માફિયાઓએ હવે શૅરિંગ ઑટો માટે પોતાની મરજી મુજબનું રેટ-કાર્ડ છપાવવાની શરૂઆત કરી છે. ગુરુવારે બાંદરા સ્ટેશનના પરિસરમાં ઉતારુઓ મહારાષ્ટ્ર આરટીઓના લોગો સાથેનું રેટ-કાર્ડ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ પોસ્ટરમાં સ્ટેશનથી ડાયમન્ડ કંપની, આઇસીઆઇસીઆઇ બૅન્ક, બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ જેવાં વિવિધ ગંતવ્યસ્થાન સુધી જવા માટેના શૅરિંગ ઑટોના રેટ દર્શાવવામાં આવ્યા હતા. આ રેટ-કાર્ડમાં શૅરિંગમાં જતા પ્રત્યેક મુસાફર માટે ૨૦ રૂપિયાનો રેટ દર્શાવાયો હતો. જોકે અપવાદરૂપે સાંજે ભારે ટ્રાફિકની સ્થિતિમાં ઑટોડ્રાઇવર આ રેટ વધારીને ૩૦ રૂપિયા કરી શકે છે એમ આ પોસ્ટરમાં જણાવાયું હતું.
રોજ પ્રવાસ કરતા મહેશ કવતે નામના મુસાફરે જણાવ્યું હતું કે ‘શૅરિંગ ઑટોના આ રેટ સ્થાનિક ટ્રાફિક પોલીસ દ્વારા લાગુ કરવામાં આવ્યા છે કે કેમ એ વિશે અમને કોઈ માહિતી નથી. જોકે હાલના તબક્કે બાંદરા-પૂર્વમાં સ્ટેશન બહારની પરિસ્થિતિ એવી છે કે બસ હંમેશાં મોડી આવતી હોવાથી, હકડેઠઠ ભરેલી હોવાથી તેમ જ ઑટોડ્રાઇવર સ્ટેશનમાં પ્રવેશ કરવાના તમામ માર્ગ બ્લૉક કરી દેતા હોવાથી ઑટો જ શ્રેષ્ઠ વિકલ્પ પુરવાર થાય છે. સવારના સમયે તેઓ ૨૦ રૂપિયા લે છે જે યોગ્ય છે, પરંતુ સાંજે તેઓ ૩૦ રૂપિયાની માગણી કરે છે જે વધુ પડતી છે.’
પોસ્ટરમાં લખેલું હોવા છતાં મોટા ભાગના ઑટોડ્રાઇવરો બેફામ વાહન ચલાવે છે અને ૩૦ રૂપિયા ભાડું વસૂલ કરે છે. આરટીઓએ આ બાબતે ધ્યાન આપીને બેફામ ભાડું વસૂલ કરતા રિક્ષાચાલકો સામે સખત પગલાં લેવાં જોઈએ એમ બીકેસી પ્રવાસ કરતા અન્ય એક મુસાફર રજનાઈ અય્યરે જણાવ્યું હતું.
મુંબઈ મોબિલિટી ફોરમ અને મુંબઈ વિકાસ સમિતિના વરિષ્ઠ પરિવહન નિષ્ણાત એ. વી. શેનોયે જણાવ્યું હતું કે ‘આ દર્શાવે છે કે મુંબઈમાં આ વિસ્તારમાં વહીવટનો સદંતર અભાવ છે. આવા પ્રયાસોનો વહેલી તકે ઉકેલ લાવવાની જરૂર છે.’
મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ કમિશનર વિવેક ભીમનવારે ‘મિડ-ડે’નો આ બાબત પર ધ્યાન દોરવા બદલ આભાર માનીને આ સંદર્ભે તત્કાળ પગલાં લેવાની ખાતરી આપી હતી.