અનેક વાહનોને ઉડાડ્યાં : એક મહિલાનું મોત, પાંચને ઈજા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સામાન ભરેલી એક ટ્રકના ડ્રાઇવરે ગઈ કાલે બદલાપુરના વાલીવલીના એક ઢોળાવ પર કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને સ્પીડમાં નીચેની તરફ ધસી ગયેલી ટ્રકે પહેલાં એક રિક્ષાને તથા ત્યાર બાદ એક ટૂ-વ્હીલર, એક રાહદારી અને સોસાયટીની બહાર એક કારને અડફેટે લીધી હતી.
આ ઘટના જોનારે કહ્યું હતું કે ‘આ ઘટના સવારે ૭ વાગ્યે બની હતી. ટ્રકે પહેલાં રિક્ષાને અડફેટે લેતાં એનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને એમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસી ગંભીર રીતે ઘવાયા હતા. એમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મોટરસાઇકલ સવાર અને એક રાહદારી પણ આ ઘટનામાં ઘવાયા હતા. એક કારને ટ્રકે અડફેટે લેતાં કારમાં સેફ્ટી માટે મૂકવામાં આવેલી ઍરબૅગ ખૂલી જતાં યુવાન બચી ગયો હતો. જોકે કારને ભારે નુકસાન થયું હોવાથી તે કારમાં જ ફસાઈ ગયો હતો. તેને બહાર કાઢવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. ટ્રક-ડ્રાઇવરે છેલ્લે ટ્રકમાંથી કૂદકો મારતાં તે બચી ગયો હતો. ક્રેનની મદદથી ટ્રક અને અન્ય વાહનોને દૂર કર્યા બાદ વાહનવ્યવહાર પૂર્વવત્ થયો હતો. સવારે ૭ વાગ્યે બનેલી આ ઘટના બાદ ત્યાં ટ્રાફિક જૅમ થયો હતો જે ક્લિયર કરતાં બપોરે ૧૨ વાગ્યા હતા.’


