૧૫ દિવસમાં રિક્ષા શીખી ગયાં, સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી રિક્ષા ચલાવે છે અને પોતાની સારવારનો ખર્ચ જાતે જ ઉપાડે છે
મંગલા આવળે ૬૫ વર્ષ
સાતારા જિલ્લાના કરાડ તાલુકામાં નાંદગાંવમાં રહેતાં મંગલા આવળેએ ૬૫ વર્ષની ઉંમરે જે નિર્ણય લીધો એ દરેક વડીલ માટે પ્રેરણાદાયી છે. પતિના નિધન બાદ મંગલાતાઈએ આમેય જીવનની તમામ જવાબદારીઓ એકલપંડે નિભાવી હતી. મજૂરી કરીને ચાર બાળકોને મોટાં કર્યાં, ભણાવ્યાં અને નોકરીએ લગાડ્યાં. હવે તેમનો દીકરો સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર છે અને દીકરીઓનાં લગ્ન થઈ ગયાં છે.
હવે ઉંમર થઈ ગઈ હોવાથી ડાયાબિટીઝની બીમારી ઘર કરી ગઈ છે. જોકે એ પછી પણ તેમણે પગ વાળીને ઘરમાં બેસવાને બદલે કંઈક નવું કામ કરીને આત્મનિર્ભર રહેવાનું પસંદ કર્યું. તેમણે પોતાના ઇલાજ માટે અને પોતાના પૂરતો ખર્ચ કાઢી શકાય એ માટે રિક્ષા ચલાવવાનું નક્કી કર્યું. એમાં તેમના દીકરાએ પૂરો સાથ આપ્યો. દીકરાએ જ તેમને રિક્ષા ચલાવતાં શીખવી અને ૧૫ જ દિવસમાં તેઓ ટ્રાફિકની વચ્ચે આરામથી રિક્ષા ચલાવવા લાગ્યાં છે. રોજ સવારે ૯થી સાંજે છ વાગ્યા સુધી કરાડથી ઉંડાળે ગામની વચ્ચે તેઓ રિક્ષા ચલાવે છે અને રોજના ૫૦૦થી ૭૦૦ રૂપિયા કમાઈ લે છે. આ ઉંમરે પણ તેમના ચહેરા પર આત્મનિર્ભરતાનો આત્મવિશ્વાસ દેખાય છે.
ADVERTISEMENT
મંગલાતાઈ વડીલો માટે એક મિસાલ સમાન છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં રહેતી બહેનો અને બુઝુર્ગો માટે પ્રેરણા બની ગઈ છે. ચાહે કોઈ પણ ઉંમર હોય, જો કામ કરવાની ઇચ્છા હોય તો કોઈ અડચણ મોટી નથી લાગતી.
ઉત્તર પ્રદેશમાં થશે નવાં નામકરણઃ ફતેહાબાદનું સિંદૂરપુરમ અને બાદશાહી બાગનું બ્રહ્મપુરમ
ઉત્તર પ્રદેશના આગરા જિલ્લાના ફતેહાબાદ શહેર અને બાદશાહી બાગ વિસ્તારનું નામ બદલવાની તૈયારીઓ ચાલી રહી છે. ફતેહાબાદ શહેરનું નામ સિંદૂરપુરમ અને બાદશાહી બાગ વિસ્તારનું નામ બ્રહ્મપુરમ કરવામાં આવશે.
આગરા જિલ્લાનાં પંચાયત પ્રમુખ મંજુ ભદૌરિયાએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને એને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. હવે એને મંજૂરી માટે યોગી આદિત્યનાથ સરકારને મોકલવામાં આવ્યો છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે હાલનાં નામ ગુલામીના પ્રતીક છે એથી એને બદલવાં જોઈએ.
પ્રસ્તાવમાં જણાવ્યા મુજબ ફતેહાબાદ શહેરનું નામ પહેલાં સમુગઢ હતું જે પછીથી બદલીને ફતેહાબાદ કરવામાં આવ્યું હતું. હવે એનું નામ સિંદૂરપુરમ રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ સિવાય શહેરના બાદશાહી બાગ વિસ્તારનું નામ બદલીને બ્રહ્મપુરમ કરવાની ભલામણ કરવામાં આવી છે. પ્રસ્તાવમાં એ પણ ઉલ્લેખ છે કે બ્રહ્મોસ મિસાઇલ અને ભગવાન બ્રહ્માથી પ્રેરિત થઈને બ્રહ્મપુરમ નામ પસંદ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ બન્ને શહેરોનાં નામ બદલવામાં આવશે.


