સ્ટેશન પાસેના ફેરિયાઓ વિશે લોકો દ્વારા સતત ફરિયાદ કરવામાં આવતી હોય છે અને અનેક વખત કાર્યવાહી પણ થતી હોય છે.
તસવીર : પ્રીતિ ખુમાણ ઠાકુર
વસઈ (વેસ્ટ)ના સનસિટી ગ્રાઉન્ડમાં ગઈ કાલે બપોરે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતાં વસઈ ફેરિયામુક્ત થઈ ગયું હોય એવું દૃશ્ય જોવા મળ્યું હતું. વસઈ (વેસ્ટ)માં સ્ટેશન-પરિસર હોય કે પછી આનંદનગર અને એસ.ટી. બસડેપો હોય, તમામ જગ્યાએ ફુટપાથ પર અને અનેક રસ્તા પર અડ્ડો જમાવીને ફેરિયાઓ બેઠા હોય છે એટલું જ નહીં, સ્ટેશન પાસે આવેલા બસડેપો પાસે રાત-દિવસ દેહવ્યવસાય કરતી મહિલાઓ પણ ઊભી રહે છે તેઓ પણ દેખાઈ નહોતી. સ્ટેશન પાસેના ફેરિયાઓ વિશે લોકો દ્વારા સતત ફરિયાદ કરવામાં આવતી હોય છે અને અનેક વખત કાર્યવાહી પણ થતી હોય છે. એમ છતાં ફેરિયાઓ થોડા કલાકમાં જ પાછા આવી જતા હોય છે. જોકે ગઈ કાલે અમિત શાહ આવવાના હોવાથી વિવિધ વિસ્તારોના ફેરિયાઓને દૂર કરવામાં આવ્યા હતા. પોલીસ પણ રાઉન્ડ મારી રહી હતી જેથી ફેરિયાઓ ફરી આવીને બેસી ન જાય. એક દિવસની રાહત અનુભવી રહેલા લોકોનું કહેવું છે કે રસ્તાઓ અને ફુટપાથને બ્લૉક કરીને બેસતા ફેરિયાઓને પર્મનન્ટ દૂર કરવાની જરૂર છે.