Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાર એટલી હદે કચડાઈ કે એમાંથી લોકોને કાઢવા માટે એને કાપવી પડી

કાર એટલી હદે કચડાઈ કે એમાંથી લોકોને કાઢવા માટે એને કાપવી પડી

21 September, 2022 10:02 AM IST | Mumbai
Prakash Bambhrolia

બિઝનેસ ટાયકૂન સાયરસ મિસ્ત્રીનું રોડ-અકસ્માતમાં મૃત્યુ થયા બાદ ચર્ચામાં આવેલા મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર સોમવારે મોડી રાત્રે તલાસરી પાસે વધુ એક ભયંકર અકસ્માત થયો હતો.

તલાસરી પાસે થયેલા કાર-ટેમ્પોના ઍક્સિડન્ટમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

Accident

તલાસરી પાસે થયેલા કાર-ટેમ્પોના ઍક્સિડન્ટમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.



મુંબઈ ઃ બિઝનેસ ટાયકૂન સાયરસ મિસ્ત્રીનું રોડ-અકસ્માતમાં મૃત્યુ થયા બાદ ચર્ચામાં આવેલા મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર સોમવારે મોડી રાત્રે તલાસરી પાસે વધુ એક ભયંકર અકસ્માત થયો હતો. એમાં કારમાં જઈ રહેલા સુરતમાં રહીને ટેક્સટાઇલનું કામકાજ કરતા બે વેપારી અને ટેમ્પોચાલક મળીને કુલ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઍક્સિડન્ટમાં કારની પાછળની સીટમાં બેસેલા બે ગુજરાતી ભાઈઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી તેમને પહેલાં વાપી અને બાદમાં સુરતની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે મુંબઈથી સુરત તરફ જઈ રહેલી કાર ડિવાઇડર સાથે અથડાઈને હવામાં ફંગોળાયા બાદ હાઇવેની સામેની બાજુએ પડી હતી અને ટેમ્પો સાથે અથડાઈ હતી. કાર એટલી હદે કચડાઈ ગઈ હતી કે એમાંથી લોકોને કાઢવા માટે કારને રીતસરની કટ કરવી પડી હતી. પ્રાથમિક રીતે આ અકસ્માત વળાંકને લીધે થયો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ સુરતના હીરાનગરમાં રહેતા અને ટેક્સટાઇલનું કામકાજ કરતા ભૂપેન્દ્ર મૌર્ય અને વીરેન મિશ્રા તથા સુરતના જ મોટા વરાછામાં રહેતા ભાઈઓ અજય અને રાજેશ ચંદુલાલ દેસાઈ કોઈક કામથી મુંબઈ આવ્યા હતા. તેઓ ક્રેટા કારમાં મુંબઈથી સુરત જઈ રહ્યા હતા ત્યારે તલાસરી પાસેના આમગાવ નજીક કાર રોડ-ડિવાઇડરને અથડાઈને હવામાં ફંગોળાઈ હતી અને હાઇવેની સામેથી આવી રહેલા એક આઇશર ટેમ્પો સાથે અથડાઈ હતી. આ ઘટનામાં ભૂપેન્દ્ર મૌર્ય અને વીરેન મિશ્રા તેમ જ આઇશરના ડ્રાઇવર શ્રીકૃષ્ણ મિશ્રાનાં ઘટનાસ્થળે જ મૃત્યુાંયું હતાં, જ્યારે અજય અને રાજેશ દેસાઈને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઍક્સિડન્ટ રાતના ૧૨.૩૦ વાગ્યે થયો હતો.

કાર કાપવી પડી
આ ઍક્સિડન્ટ એટલો ભયંકર હતો કે કાર આઇશર ટેમ્પો સાથે અથડાયા બાદ એનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને એમાં બેસેલા ચારેય પ્રવાસીઓને એમાંથી કાઢવા માટે પોલીસે કારના દરવાજા કાપવા પડ્યા હતા. કાર ચલાવી રહેલા ભૂપેન્દ્ર મૌર્ય અને તેમની બાજુની સીટમાં બેસેલા વીરેન મિશ્રાના મૃતદેહ તેમ જ ગંભીર રીતે ઘાયલ થયેલા ભાઈઓ અજય અને રાજેશને બહાર કાઢવા માટે ખૂબ જહેમત કરવી પડી હતી.



વળાંકને લીધે કાબૂ ગુમાવ્યાની શક્યતા
તલાસરી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અજય વસાવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાતનો સમય હતો અને કાર હાઇવેની ત્રીજી એટલે કે સ્પીડથી વાહન ચલાવવાની લેનમાં હતી. કાર ડિવાઇડર સાથે ટકરાઈ હતી અને હવામાં ફંગોળાઈને હાઇવેની બીજી બાજુ પડી હતી. સ્વાભાવિક છે કે કોઈ વાહન સ્પીડમાં હોય ત્યારે તેની અથડામણ થાય તો એ હવામાં ફંગોળાય. પ્રાથમિક રીતે કહી શકાય કે જે સ્થળે અકસ્માત થયો છે ત્યાં અંધારું હતું અને વળાંક હતો એટલે કારચાલકે કદાચ કાર પરથી કાબૂ ગુમાવ્યો હશે અને એ ડિવાઇડર સાથે અથડાઈ હશે. જોકે મૃતકોના પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ અને અકસ્માતની સઘન તપાસ બાદ જ અકસ્માતનું ખરું કારણ જાણી શકાશે. કારમાં જઈ રહેલા લોકો સુરતમાં ટેક્સટાઇલનો બિઝનેસ કરવાની સાથે સુરતના જ રહેવાસી હોવાનું જણાયું છે.’


ભાઈઓ ગંભીર
તલાસરી પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અને સુરતના મોટા વરાછામાં રહેતા અજય અને નરેશ ચંદુલાલ દેસાઈને પહેલાં વાપીની હરિયા એલજી રોટરી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમના પરિવારજનો તેમને સુરત લઈ ગયા હતા. 

એક ભાઈની હાલત ગંભીર
રાજેશ અને અજય દેસાઈ લેઉવા પટેલ સમાજના છે અને મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસેના એક ગામના તેઓ વતની છે. તેમને વાપીની હૉસ્પિટલમાંથી ખસેડીને સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી વીનસ નામની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. તેમના પાડોશી ભાર્ગવભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજેશની હાલત ગંભીર છે, જ્યારે અજયની હાલત થોડી સારી છે. તેઓ ટેક્સટાઇલનું કામકાજ કરે છે અને મુંબઈ કામકાજ અર્થે જ ગયા હતા. તેઓ અત્યારે કંઈ બોલવાની સ્થિતિમાં નથી એટલે ઍક્સિડન્ટ કેવી રીતે થયો હતો એ વિશે કોઈ જાણતું નથી.’


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2022 10:02 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK