મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા અમિત શાહે ચીફ મિનિસ્ટર અને બન્ને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સામે જોઈને હળવાશથી કહ્યું...
દેશના પહેલા કૉમ્પ્રેસ્ડ બાયોગૅસ પ્લાન્ટનું ગઈ કાલે અમિત શાહે કોપરગાવમાં ઉદ્ઘાટન કર્યું હતું.
નુકસાનનો અહેવાલ જોઈને રાજ્યભરના ખેડૂતોને કેન્દ્ર સરકાર સત્વર રાહત-પૅકેજ આપશે એની ખાતરી આપી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ શનિવારે મોડી રાતે મહારાષ્ટ્રમાં આવ્યા હતા. શિર્ડીમાં તેમણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા બન્ને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે અને અજિત પવાર સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગ ૪૫ મિનિટ ચાલી હતી. આ બેઠકમાં અતિવૃષ્ટિને લીધે મહારાષ્ટ્રને થયેલા નુકસાન અને રાહત-પૅકેજ માટે લાંબી ચર્ચા થઈ હોવાનું કહેવાય છે.
રવિવારે સવારે શિર્ડીમાં સાંઈબાબાનાં દર્શન કરીને અમિત શાહે આખો દિવસ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. અહિલ્યાનગરમાં જનસભાને સંબોધન કરતાં તેમણે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બન્ને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે તથા અજિત પવારનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘આ ત્રણેયમાંથી કોઈ પણ વેપારી નથી, પણ આ ત્રણેય વેપારીઓથી ઓછા પણ નથી. મને પદ્મશ્રી ડૉ. વિઠ્ઠલરાવ વિખે પાટીલની પ્રતિમાના ઉદ્ઘાટન માટે બોલાવ્યો અને પૂછી લીધું કે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત ખેડૂતોને કેટલી મદદ આપશે? તેમણે શનિવારે જ મારી સાથે એ માટે બેઠક કરી હતી. મેં તેમને વડા પ્રધાન તરફથી આશ્વાસન આપતાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોને થયેલી નુકસાનીનો વિગતવાર અહેવાલ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલાવે, એ પછી વડા પ્રધાન મહારાષ્ટ્રના ખેડૂતોને મદદ કરવામાં જરાય વાર નહીં લગાડે.’
ADVERTISEMENT
અહિલ્યાનગરમાં ડૉ. વિઠ્ઠલરાવ વિખે પાટીલ સહકારી સાકર કારખાનાના નવીનીકરણ પછીના નવા વિસ્તૃત ક્ષમતા સાથેના કારખાનાનું અમિત શાહે ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર પછી તેમણે જનસભાને સંબોધિત કરી હતી. અહિલ્યાનગર જિલ્લાના જ કોપરગાંવ શહેરમાં અમિત શાહે સહકારી કમ્પ્રેસ્ડ બાયોગૅસ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું, જે સહકારી ક્ષેત્રનો ભારતનો સૌપ્રથમ કમ્પ્રેસ્ડ બાયોગૅસ પ્લાન્ટ છે. અહિલ્યાનગરમાં જ તેમણે ડૉ. વિઠ્ઠલરાવ વિખે પાટીલ અને બાળાસાહેબ વિખે પાટીલની પ્રતિમાઓનું અનાવરણ પણ કર્યું હતું.
રાજ્યમાં મરાઠવાડા સહિત અનેક જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ હોવાથી ખેડૂતોનું ભારે નુકસાન થયું છે એમ જણાવતાં અમિત શાહે કહ્યું હતું કે ‘રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને અસરગ્રસ્તોના પંચનામાઓનો સવિસ્તાર અહેવાલ મોકલી આપે, એ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરત જ મદદ જાહેર કરશે.’
કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારપ્રધાન અમિત શાહ ગઈ કાલે શિર્ડી અને પ્રવરાનગર-લોણીમાં હતા. તેમણે જનસભાને સંબોધતાં કહ્યું હતું કે ‘આજે હું પ્રવરાનગરમાં આવ્યો છું, પણ સાચું પૂછો તો આ ભૂમિ સહકાર ક્ષેત્રની પંઢરી ગણાય છે, જેનું મૂળ કારણ ડૉ. વિઠ્ઠલરાવ વિખે પાટીલ છે. તેમણે પોતાનું આખું જીવન ખેડૂતોના કલ્યાણને સમર્પિત કર્યું હતું.’
હવે સાકરનાં કારખાનાંઓમાં મલ્ટિ ફીડ એથનૉલનું ઉત્પાદન વધી રહ્યું છે એમ કહીને સાથે કેન્દ્ર સરકારની એથનૉલ મિશ્રણની નીતિને પણ બિરદાવી હતી અને કહ્યું હતું કે આ નીતિને લીધે સાકર કારખાનાંઓની આર્થિક સ્થિતિ સુધરી રહી છે.
મહારાષ્ટ્રની જનતાએ ખેડૂતોનું હિત જોનારી સરકારને ચૂંટી છે : અમિત શાહ
અમિત શાહે મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિની વાત કરતાં કહ્યું હતું કે ‘હાલ રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે લગભગ ૬૦ લાખ હેક્ટર ખેતીની જમીનને નુકસાન થયું છે. ૨૦૨૫-’૨૬ના નાણાકીય વર્ષ માટે કેન્દ્ર સરકારે ૩૧૩૨ કરોડ રૂપિયા મહારાષ્ટ્ર સરકારને ફાળવ્યા છે જેમાંથી ૧૬૩૧ કરોડ રૂપિયા એપ્રિલમાં જ વડા પ્રધાને આપી દીધા હતા. ખેડૂતોને મદદ કરવા રાજ્ય સરકાર પણ પગલાં લઈ રહી છે. ૨૨૧૫ કરોડ રૂપિયાની રિલીફ રાજ્ય સરકારે આપી છે જે અંતર્ગત ૧૦,૦૦૦ રૂપિયાની રોકડ મદદ અને પચીસ કિલો અનાજ મહારાષ્ટ્ર સરકાર તરફથી આપવામાં આવ્યાં છે. એ ઉપરાતં લોનની જે રકમ વસૂલવાની હતી એ પણ હાલ વસૂલ કરવાનું રોકી દેવાયું છે.’
અમે ખેડૂતો માટે મદદ જાહેર કરીશું એવું કહીને તેમણે ઉમેર્યું હતું કે મહારાષ્ટ્રની જનતાએ ખેડૂતોનું હિત જોનારી સરકારને ચૂંટી છે.
બીજું શું બોલ્યા અમિત શાહ?
* BJP અને શિવસેના સરકારે ઐતિહાસિક નિર્ણય લઈને ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કર્યું છે.
* આ સરકારે જ અહમદનગરનું નામ બદલીને અહિલ્યાનગર કર્યું છે.
* છત્રપતિ શિવાજી મહારાજના અનુયાયીઓ જ આ કામ કરી શકે છે, ઔરંગઝેબના અનુયાયીઓમાં આવી હિંમત નથી.
* વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાથી પણ વધુ ઇન્કમ ટૅક્સ માફ કર્યો છે


