મુંબઈ આવેલા અમિત શાહે BJPના કાર્યકરોનો જુસ્સો વધારતાં કહ્યું...
અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે સાઉથ મુંબઈમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના મહારાષ્ટ્રના નવા હેડક્વૉર્ટરનો શિલાન્યાસ કર્યો હતો. ચર્ચગેટ રેલવે-સ્ટેશનની નજીક આવેલી વસાની ચેમ્બર્સ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને BJPના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી.
BJPને કાખઘોડીની જરૂર નથી અને મહારાષ્ટ્રમાં BJP પોતાની તાકાત પર ચાલે છે એમ કહેતાં અમિત શાહે કાર્યકરોને આગામી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં વિપક્ષનાં સૂપડાં સાફ થાય એ રીતે ચૂંટણી જીતવા પર ભાર મૂક્યો હતો. ‘દૂરબીનની મદદથી પણ વિપક્ષ દેખાય નહીં એવી રીતે ચૂંટણી લડો’ એમ કહીને અમિત શાહે આગામી ચૂંટણીઓ માટે કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો.
ADVERTISEMENT
એની સાથે જ મહાયુતિના પક્ષકારો એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી આગામી સ્થાનિક ચૂંટણી જાતે લડવા માટેની તૈયારીઓ કરી રહી છે ત્યારે અમિત શાહે મહારાષ્ટ્રમાં ડબલ નહીં પણ ટ્રિપલ એન્જિન સરકાર જોઈતી હોવાનો ઇશારો કર્યો હતો.
BJPને લીધે પોતે બૂથ-ઇન્ચાર્જથી નૅશનલ પ્રેસિડન્ટ બની શક્યા અને ગરીબ પરિવારમાંથી આવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પ્રતિબદ્ધતા અને બલિદાનને કારણે ૩ વખત દેશનું નેતૃત્વ કર્યું એવું ઉદાહરણ આપીને અમિત શાહે કૉન્ગ્રેસ પર સીધું નિશાન તાકતાં કહ્યું હતું કે ‘અમે સાબિત કરી દીધું છે કે પરિવારવાદ ધરાવતા પક્ષોનું રાજકારણ હવે આ દેશમાં ચાલશે નહીં. હવે પર્ફોર્મન્સનું પૉલિટિક્સ જ દેશને આગળ લઈ જશે.’
શિવસેના (UBT)ના અધ્યક્ષનો ઉલ્લેખ કરતાં અમિત શાહે કહ્યું હતું કે ‘બેઠક-વહેંચણીના મુદ્દે શિવસેના સાથે ગઠબંધન તૂટ્યું. ત્યાર બાદ આપણે લાંબા સમય પછી આપણા દમ પર ચૂંટણી લડ્યા અને દેવેન્દ્ર ફડણવીસના મુખ્ય પ્રધાન બનવા સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવ્યા. પહેલાં BJP રાજ્યના રાજકારણમાં ચોથા સ્થાને હતી, પરંતુ આજે BJP નંબર વન પાર્ટી છે.’
૫૫,૦૦૦ ચોરસફુટ વિસ્તારમાં બનનારા BJPના નવા કાર્યાલયમાં લાઇબ્રેરી, મીટિંગ-રૂમ, કૉન્ફરન્સ-રૂમ, ૪૦૦ સીટ ધરાવતું ઑડિટોરિયમ અને રાજ્યના BJP પ્રમુખ અને મુખ્ય પ્રધાનનાં કાર્યાલયો હશે. આ મલ્ટિ-સ્ટોરીડ બિલ્ડિંગ ડિઝાઇન અને કાર્યક્ષમતા બન્ને રીતે નવી દિલ્હીસ્થિત BJPના નૅશનલ હેડક્વૉર્ટર જેવું હશે; જેમાં બાયોમેટ્રિક સિસ્ટમ્સ, ડિજિટલ ઍક્સેસ કન્ટ્રોલ અને અત્યાધુનિક કમ્યુનિકેશન નેટવર્ક સહિત અનેક સિક્યૉરિટી સિસ્ટમ સામેલ હશે.
પાંચ દિવસના ઇન્ડિયા મૅરિટાઇમ વીકનું ઉદ્ઘાટન
અમિત શાહે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને માળા પહેરાવીને ગોરગામના નેસ્કો સેન્ટર ખાતે પાંચ દિવસના ઇન્ડિયા મૅરિટાઇમ વીક (IMW) ૨૦૨૫નું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં શિપિંગ, પોર્ટ્સ અને લૉજિસ્ટિક્સ ક્ષેત્રના હિસ્સેદારોની મદદથી ગ્લોબલ મૅરિટાઇમ પાવરમાં ભારતને આગળ વધારવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૨૦૪૭ના વિકસિત ભારતના રોડમૅપમાં ઇકૉનૉમિક અને સ્ટ્રૅટેજિક બન્ને પાસાં પર મૅરિટાઇમ ક્ષેત્રનો વિકાસ કરવાનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું અમિત શાહે જણાવ્યું હતું.
માઝગાવ ડૉક ખાતે ડીપ-સી ફિશિંગ વેસલ્સનો કાફલો લૉન્ચ કર્યો
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે માઝગાવ ડૉક ખાતે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ અત્યાધુનિક ડીપ-સી ફિશિંગ વેસલ્સનો કાફલો લૉન્ચ કર્યો હતો. ૧.૨ કરોડ રૂપિયાની કિંમતના દરેક જહાજને મહારાષ્ટ્ર સરકાર, નૅશનલ કો-ઑપરેટિવ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (NCDC) અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ દરિયાઈ માછીમારીને આધુનિક બનાવીને ડીપ-સી ઑપરેશન્સમાં વધારો કરવાનો અને એક્સક્લુઝિવ ઇકૉનૉમિક ઝોન (EEZ)ના રિસોર્સના ઉપયોગથી બ્લુ ઇકૉનૉમીને મજબૂત બનાવવાનો છે. અત્યારે માછીમારો ૪૦થી ૫૦ નૉટિકલ માઇલ સુધી ઊંડે જઈને ફિશરીઝ કરે છે. નવા જહાજની મદદથી માછીમારોની ક્ષમતા વધશે અને લક્ષદ્વીપ, આંદામાન-નિકોબાર હાઈ-વૅલ્યુ ફિશરીઝનો વિકલ્પ ખૂલશે.


