૬ વર્ષમાં માત્ર ૬૩૦૦ ઢાંકણાંઓનું કામ કરનાર મુંબઈ સુધરાઈ હાઈ કોર્ટના ઠપકા બાદ આગામી ચોમાસા પહેલાં સેફ્ટી-ગ્રિલનું તમામ કામ પૂર્ણ કરવા માગે છે

સુધરાઈએ ગટરના ગંદા પાણીનાં ૧૮૦૦ અને વરસાદી પાણીનાં ૪૫૦૦ ઢાંકણાંઓ પર સેફ્ટી-ગ્રિલ બેસાડી છે
સુધરાઈએ શહેરનાં ૧.૧૯ લાખ જેટલાં ગટરનાં ઢાંકણાંઓ પર સેફ્ટી-ગ્રિલ નાખવાની યોજના બનાવી છે. જોકે છેલ્લાં છ વર્ષમાં એ માત્ર ૬૩૦૦ જેટલાં ઢાંકણાંઓ પર જ સેફ્ટી-ગ્રિલ લગાવી શકી છે. ૨૦૧૭માં શહેરના ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. દીપક અમરાપુરકર ગટરમાં પડીને મરણ પામ્યા હતા. ત્યાર બાદ સુધરાઈએ તમામ ઢાંકણાંઓ પર સેફ્ટી-ગ્રિલ નાખવાની યોજના બનાવી હતી.
જોકે તાજેતરમાં જ બૉમ્બે હાઈ કોર્ટે આ કાર્યવાહીમાં થયેલા વિલંબ બદલ સુધરાઈને ઠપકો આપ્યો હતો. ત્યાર બાદ સુધરાઈએ બાકીનાં ૧.૧૯ લાખ ઢાંકણાંઓ પર જાળી લગાવવાનો નિર્ણય લીધો હતો. સુધરાઈએ શહેરનાં ૨૫૬ ઢાંકણાંઓ પર ગ્રિલ લગાવવા માટે ટેન્ડર મગાવ્યાં છે. સુધરાઈના એક અધિકારીએ કહ્યું હતું કે ‘સેફ્ટી-ગ્રિલ માટે અમે ફાઇબર, આયર્ન અને ડક્ટાઇલ આયર્ન ગ્રિલનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છે. અમે એની કિંમત અને ગુણવત્તાની તપાસ કરીશું. જેનો રિપોર્ટ અમે કોર્ટમાં જમા કરાવીને કોર્ટના આદેશ બાદ આખરી નિર્ણય લઈશું,’
શહેરમાં કુલ ૧.૨૫ લાખ ગટરો છે. સુધરાઈએ ગટરના ગંદા પાણીનાં ૧૮૦૦ અને વરસાદી પાણીનાં ૪૫૦૦ ઢાંકણાંઓ પર સેફ્ટી-ગ્રિલ લગાડી છે. આ ગ્રિલ ડક્ટાઇલ આયર્નની બનેલી છે, જેની કિંમત ૮૫૦૦ રૂપિયા છે. સિવિક ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ સુધરાઈની કામ કરવાની પદ્ધતિ પર શંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘૬ વર્ષમાં માત્ર ૬૫૦૦ સેફ્ટી-ગ્રિલ બેસાડી છે. એક વર્ષમાં ૧.૧૯ લાખ ગ્રિલ કેવી રીતે બેસાડશે? સુધરાઈએ યોજના સાથે કામ કરવાની જરૂર છે.’ અન્ય એક ઍક્ટિવિસ્ટ નિખિલ દેસાઈએ કહ્યું હતું કે ‘સુધરાઈ એના પરંપરાગત કામ કરવાની નીતિ મુજબ આ કામ પૂરું નહીં કરી શકે.’ સુધરાઈના અધિકારીએ એવો દાવો કર્યો હતો કે ‘આગામી ચોમાસા પહેલાં તમામ ગટરોનાં ઢાંકણાંઓ પર સેફ્ટી-ગ્રિલ લગાડવામાં આવશે. સુધરાઈએ જ્યાં પૂર આવતાં હોય અને નીચાણવાળા વિસ્તારો હોય ત્યાંની ગટરોનાં ઢાંકણાં પર સેફ્ટી-ગ્રિલ બેસાડી દીધી છે.