શિવાજી પાર્કમાં ગૂડી પડવાની સભામાં એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેની ગદ્દારી, શરદ પવારની જાતપાતની રાજનીતિ અને મુસ્લિમ સમાજ પર આકરા પ્રહાર કરીને ભવિષ્યમાં બીજેપી સાથે આવવાના સંકેત આપ્યા

ગઈ કાલે ગૂડી પડવા નિમિત્તે કાર્યકરોને સંબોધી રહેલા રાજ ઠાકરે (તસવીર : આશિષ રાણે)
ગૂડી પડવા નિમિતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ ગઈ કાલે રાજ્યના હિન્દુઓને તેમની અંદરના સ્વાભિમાનને જગાવવાની હાકલ કરી હતી અને રાજ્યમાં જાત-પાતની રાજનીતિ કરનારાઓને તેમની જગ્યા બતાવવાનું આહ્વાન કર્યું હતું. ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ જેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે મત આપ્યા હતા એ શિવસેનાએ રાતોરાત જેમને જનતાએ નકાર્યા હતા એ એનસીપી અને કૉન્ગ્રેસ સાથે સરકાર બનાવીને ગદ્દારી કરી છે એ ભૂલવા જેવી સામાન્ય વાત ન હોવાનું તેમણે કહ્યું હતું. મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર રાજ્ય સરકાર નહીં ઉતારે તો મસ્જિદ સામે હનુમાન ચાલીસા વગાડવાની વાત પણ તેમણે કરી હતી.
એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ જાહેરાત કર્યા મુજબ તેઓ ગૂડી પડવાની સભામાં શું બોલશે એના પર સૌનું ધ્યાન હતું. રાજ ઠાકરે ગઈ કાલે શિવાજી પાર્કમાં પહોંચ્યા હતા શિવસેનાના મુખ્યાલય સેના ભવનની સામે જ મનસેએ મોટું બૅનર લગાવ્યું હતું જેમાં કટ્ટર હિન્દુરક્ષક રાજસાહેબ ઠાકરે લખવામાં આવ્યું હતું. રાજ ઠાકરે શિવાજી પાર્ક નજીકમાં જ રહે છે. તેઓ ૬.૩૦ વાગ્યે તૈયાર થઈને બેઠા હતા, પરંતુ બહારથી મોટી સંખ્યામાં આવી રહેલા એમએનએસના કાર્યકરો ટ્રાફિકમાં ફસાયા હોવાથી તેઓ ૭.૪૫ વાગ્યે શિવાજી પાર્કના મંચ પર પહોંચ્યા હતા. તેમના આગમન સમયે શિવાજી પાર્કમાં જય શ્રીરામના સૂત્રોચ્ચાર થયા હતા.
મોદી અને શાહનો કર્યો ઉલ્લેખ
રાજ ઠાકરેએ તેમના ભાષણની શરૂઆતમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘રાજ્યની ૨૦૧૯માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બીજેપી-સેનાએ યુતિમાં લડી હતી. ચૂંટણીસભાઓમાં વડા પ્રધાન અને ગૃહપ્રધાને એકથી વધુ વખત જનતા જો બહુમતી આપશે તો આગામી મુખ્ય પ્રધાન બીજેપીના હશે. આ વાત જાણતા હોવા છતાં શિવસેનાએ રિઝલ્ટ બાદ જેમને જનતાએ નકારી કાઢ્યા હતા તેમની સાથે યુતિ કરીને સરકાર બનાવીને મતદાર સાથે ગદ્દારી કરી. આજે રાજ્યમાં એક નંબરનો પક્ષ બીજેપી છે અને બીજા નંબરે શિવસેના છે એને ત્રીજા નંબરનો શરદ પવારનો પક્ષ એનસીપી નચાવી રહ્યો છે.’
ગુલામીની માનસિકતા છોડો
સામાન્ય લોકોએ ઇતિહાસ ન ભૂલવો જોઈએ. જેઓ ઇતિહાસ ભૂલે છે તેઓ પોતાની જમીન ગુમાવી દે છે. આ વિશે રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘૧૯૪૭ પહેલાં ભારત એક દેશ નહીં, અસંખ્ય રજવાડાંમાં વહેંચાયેલો હતો. બધાં રજવાડાં એકબીજા સાથે કાયમ લડતા હતાં, જેનો ફાયદો વિદેશીઓએ ઉઠાવ્યો હતો. ૮૦૦થી ૯૦૦ વર્ષ પહેલાં આને લીધે મોહમ્મદ ગઝનવીથી લઈને મોગલો અને અંગ્રેજોએ આક્રમણ કરીને આપણને ગુલામ બનાવ્યા હતા. આટલાં લાંબાં વર્ષો સુધી આટલાં આક્રમણો બાદ પણ હિન્દુ સંસ્કૃતિને તેઓ એકદમ પરાસ્ત નહોતા કરી શક્યા. આ વાત આપણે આજે ભૂલી ગયા છીએ. ૧૯૯૯માં બનાવવામાં આવેલા એનસીપી પક્ષના નેતા શરદ પવારે જાતપાતની રાજનીતિ કરીને રાજ્યના લોકોને ફરી ગુલામ બનાવવાની શરૂઆત કરી હતી. તેઓ નાનકડી વાત વહેતી મૂકે છે અને આપણે નાની-નાની વાતોમાં ચર્ચા કરવા બેસી જઈએ છીએ. ખેડૂતોની આત્મહત્યા, મરાઠી યુવાનોને રોજગાર જેવી બાબતો વિદેશીઓની નહીં, પણ આપણા નેતાઓની દેન છે. આથી વારંવાર હું બધાને કહું છું કે ગુલામીની માનસિકતામાંથી બહાર આવો.’
ગદ્દારોને પાઠ નહીં ભણાવો
મહાવિકાસ આઘાડી સરકાર પર હુમલો કરતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘ગૃહપ્રધાન અનિલ દેશમુખ જેલમાં છે, દાઉદ ઇબ્રાહિમ સાથે જેમના સંબંધ હોવાનો આરોપ છે એ પ્રધાન નવાબ મલિક જેલમાં છે. તેમના પર ગંભીર આરોપ હોવા છતાં જાણે કંઈ જ ન બન્યું હોય એવો વર્તાવ સરકાર કરી રહી છે. જનતાને મૂર્ખ બનાવીને પોતાની રોટલી શેકી રહ્યા છે. આવું ક્યાં સુધી ચાલશે? જનતાએ આવા લોકોને ઘરે બેસાડવાનો સમય આવી ગયો છે.’
મુંબઈમાં બંગલાદેશી અને પાકિસ્તાનતરફી સમાજની વધી રહેલી વસ્તી વિશે રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘૧૯૯૫માં રાજ્યમાં સેના-બીજેપીની સરકાર હતી ત્યારે મેં કાકા બાળાસાહેબ ઠાકરેને કહ્યું હતું કે ઝૂંપડાવાસીઓને મફત ઘર આપવાની યોજના બરાબર નથી. એ સમયે કાકાએ મને ચૂપ રહેવાનું કહ્યું હતું. તેમણે સારા ઇરાદે એ સમયે યોજના બનાવી હતી. જોકે બાદમાં તો હજારોની સંખ્યામાં બંગલાદેશી અને પાકિસ્તાનતરફી મુસ્લિમો દેશભરમાંથી મુંબઈમાં ઠલવાયા. માતોશ્રી નજીક જ બાંદરાના બહેરામપાડામાં ચાર માળનાં ઝૂંપડાં બનાવીને આ લોકો રહે છે. વોટબૅન્કની રાજનીતિ કરીને તેમને આપણા જ નેતાઓ રૅશન કાર્ડ અને આધારકાર્ડ બનાવી આપે છે.’
મસ્જિદોમાં શું ચાલે છે એના પર મુખ્ય પ્રધાન ધ્યાન આપે
મુસ્લિમ સમાજની ગતિવિધિઓ અને લાઉડ સ્પીકર વિશે તેમણે કહ્યું હતું કે ‘મુમ્બ્રા, કુર્લા કે બીજા વિસ્તારોમાં આવેલી મસ્જિદોમાં શું ચાલી રહ્યું છે એના પર મુખ્ય પ્રધાને ધ્યાન આપવું જોઈએ. ઈડીની રેઇડની જેમ પોલીસના અહીં દરોડા પડશે તો અનેક બાબતો સામે આવશે. તેમને આજે રોકવામાં નહીં આવે તો એક દિવસ આપણે મોટી મુશ્કેલીમાં મુકાઈશું. પ્રાર્થના કરવા સામે મને કોઈ વાંધો નથી. મસ્જિદો પરના લાઉડ સ્પીકરથી સવારથી રાત સુધી ત્રાસ થાય છે. દુનિયાના કોઈ દેશમાં આવું નથી થતું. રાજ્ય સરકાર આ બાબતે વિચાર નહીં કરે તો દરેક મસ્જિદની સામે લાઉડ સ્પીકર મૂકીને અમે હનુમાન ચાલીસા વગાડીશું.’
"મુંબઈની હાલત આજે એવી છે કે ફુટપાથ પર ચાલવાની જગ્યા નથી અને વાહનો ચાલી ન શકે એવી સડકો છે. વર્ષોથી શિવસેના અહીં રાજ કરીને લૂંટ ચલાવી રહી છે. જનતાનું જે થવું હોય એ થાય, અમારાં ખિસ્સાં ભરો એવી તેમની માનસિકતાને પડકારવાનો સમય આવી ગયો છે. જનતાએ આવા લોકોને ઘરે બેસાડવા અવાજ ઉઠાવવો પડશે." : મુંબઈની સ્થિતિ વિશે રાજ ઠાકરે