નવી સિસ્ટમ પૂરી ચોકસાઈથી એકસાથે ઘણાબધા નિયમભંગના કેસ ઓળખી શકે છે,
પ્રતીકાત્મક તસવીર
મીરા-ભાઈંદર-વસઈ-વિરાર (MBVV) પોલીસના કાર્યક્ષેત્રમાં આવતા થાણે અને પાલઘર જિલ્લામાં ટ્રૅફિકના નિયમોના પાલન પર ચાંપતી નજર રાખશે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)- બેઝ્ડ સિસ્ટમ. ટ્રૅફિક-નિયમન માટે AI-બેઝ્ડ સિસ્ટમનો પાઇલટ પ્રોજેક્ટ માર્ચ મહિનામાં શરૂ કરવામાં આવ્યો હતો અને એના થકી પહેલું ટ્રૅફિક-ચલાન ૭ એપ્રિલે ઇશ્યુ કરવામાં આવ્યું હતું. MBVVના પોલીસ-કમિશનર મધુકર પાંડેએ સિસ્ટમની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ‘ટ્રૅફિકનિયમન માટે આ સિસ્ટમ ક્રાન્તિકારી સાબિત થશે. ટેક્નૉલૉજીને કારણે મૅન્યુઅલ દખલગીરી સાવ ઓછી થઈ જશે. જેથી ચોકસાઈ, ઝડપી કાર્યવાહી અને કાયદાના અમલીકરણમાં વિશ્વસનીયતા વધશે.’
નવી સિસ્ટમ પૂરી ચોકસાઈથી એકસાથે ઘણાબધા નિયમભંગના કેસ ઓળખી શકે છે, જેમાં હેલ્મેટ પહેરવાનો નિયમ, ટ્રિપલસીટ, ઑટોમૅટિક નંબર પ્લેટની ઓળખ જેવા કામ AI ત્વરિત કરી શકે છે. અત્યાર સુધી પોલીસ-અધિકારીઓ જાતે જ ફોટો પાડીને કે વિડિયો લઈને ગેરરીતિઓની ચકાસણી કરતા હતા. AI સિસ્ટમ ટૂંક સમયમાં રૉન્ગ સાઇડ ડ્રાઇવિંગ, સ્પીડ ડ્રાઇવિંગ, અકસ્માત જેવી ઘટનાઓ પર પણ નજર રાખી શકશે.

