ઘાટકોપરના યુવાનના નિધન બાદ તેની બે આંખો અને લિવર ડોનેટ કરાયાં : રિયલ એસ્ટેટ અને ટ્રાવેલિંગનો બિઝનેસ કરતાે ૩૭ વર્ષનો મયંક વેદ અચાનક બ્રેઇન હૅમરેજ થયા બાદ બ્રેઇન ડેડ થઈ ગયો હતો
મૃત્યુ બાદ આપ્યું ૩ને જીવતદાન
મુંબઈ : ઘાટકોપર (ઈસ્ટ)ની નાયડુ કૉલોનીમાં રહેતા રિયલ એસ્ટેટ અને ટ્રાવેલિંગનો બિઝનેસ કરતા ૩૭ વર્ષના મયંક રાજેન વેદનું અચાનક બ્રેઇન હૅમરેજ થયા બાદ બ્રેઇન ડેડ થઈ જતાં તેના પરિવારે તેની બે આંખો અને લિવર ડોનેટ કર્યાં હતાં. આ પરિવારે તો મયંકનાં ઉપયોગી બધાં જ ઑર્ગન્સ ડોનેટ કરવાં હતાં, પરંતુ મેડિકલ ટેસ્ટ પછી મયંકની આંખો અને લિવર જ ડોનેટ કરી શક્યા હતા.
આ બાબતની માહિતી આપતાં મયંકના મોટા ભાઈ હિરેન વેદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મયંક ૧૭ સપ્ટેમ્બરે રાતના ૧૦.૪૫ વાગ્યે જમીને ઘરેથી પાન ખાવા માટે નીચે ઊતર્યો હતો. ત્યારે તેની તબિયત એકદમ સારી હતી. અચાનક તેનો તેની મિસિસ પર ફોન આવ્યો કે મને માથામાં કંઈ થાય છે, મારાથી ઊભા નથી રહેવાતું એટલે નીચે આવીને મને લઈ જાવ. તેનો ફોન આવતાં જ હું દોડીને પાનની દુકાન પાસે પહોંચ્યો હતો. ત્યારે મયંક બેહોશ થઈને રોડ પર પડી ગયો હતો અને પબ્લિક જમા થઈ ગઈ હતી. મયંકના મોઢામાંથી ફીણ નીકળી રહ્યાં હતાં અને તેને ફિટ આવતી હતી. અમે તરત જ મયંકને નજીકમાં આવેલી આશીર્વાદ હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યાર પછી અમને સીટી સ્કૅન કરાવવાની સલાહ આપવામાં આવી હતી. આશીર્વાદ હૉસ્પિટલમાં એની સુવિધા ન હોવાથી અમે મયંકને ઍમ્બ્યુલન્સમાં મુલુંડની ફોર્ટીઝ હૉસ્પિટલમાં લઈ ગયા હતા.’
ફોર્ટીઝ હૉસ્પિટલના ડૉક્ટરોએ સીટી સ્કૅન કર્યા બાદ મયંકને બ્રેઇન હૅમરેજ થયું હોવાનું કહ્યું હતું એમ જણાવતાં હિરેન વેદે કહ્યું હતું કે ‘તેની સારવાર શરૂ કર્યા બાદ ત્રીજા જ દિવસ અમને ડૉક્ટરોએ કહી દીધું હતું કે તે બ્રેઇન ડેડ થઈ જવાથી હવે તેના બચવાના કોઈ ચાન્સ નથી. જોકે અમારા કહેવાથી તેમણે સારવાર ચાલુ રાખી હતી. ગુરુવારે રાતના જરૂરી ટેસ્ટ કર્યા બાદ મયંકને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો.’
આ સમય દરમિયાન અમે પરિવારજનોએ નિર્ણય લઈ લીધો હતો કે જો હવે મયંકના બચવા કોઈ ચાન્સ ન હોય તો આપણે તેનાં ઑર્ગન્સ ડોનેટ કરીને તેને અન્યોના માધ્યમથી જીવંત રાખીશું એમ જણાવીને હિરેન વેદે કહ્યું હતું કે ‘ગુરુવારે અમને જેવી ખબર પડી કે હવે મયંક બ્રેઇન ડેડ છે એટલે તરત જ અમે ડૉક્ટરો પાસે મયંકનાં ઑર્ગન્સ ડોનેટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ તેનાં કયાં ઑર્ગન્સ અન્યોને ઉપયોગી થશે એની ટેસ્ટ શરૂ કરી હતી. જોકે અમારા બૅડ લક કે તેની આંખ અને લિવર જ ઉપયોગમાં આવી શકે એમ હોવાથી ડૉક્ટરોએ તેની બે આંખ અને લિવર ડોનેશન માટે ઑપરેશન કરીને લઈ લીધાં હતાં અને તેનો મૃતદેહ અમને અંતિમ સંસ્કાર માટે સોંપી દીધો હતો. અમે તેના મૃતદેહને લઈ જતા હતા ત્યારે હૉસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફે મયંકને સલામી આપીને વિદાય આપી હતી.’


