રાજ ઠાકરેની સભામાં લાખોની સંખ્યામાં લોકો ભેગા થાય એવી શક્યતા છે એટલે મોટી જગ્યા શોધી રહ્યા છીએ. જગ્યા નક્કી થયા બાદ અમે પોલીસ પાસેથી પરમિશન માટે અપ્લાય કરીશું.
રાજ ઠાકરે
મરાઠી મોરચો સફળ થયા બાદ તાજેતરમાં મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV)ના કમિશનર મધુકર પાંડેની બદલી કરવામાં આવી હતી. મરાઠીના મુદ્દે જબરદસ્ત સફળતા મળ્યા બાદ ૧૮ જુલાઈએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે મીરા રોડમાં સભા યોજવાના છે. મીરા રોડ-ઈસ્ટમાં બાલાજી હોટેલ નજીક આવેલી જોધપુર સ્વીટ્સ ઍન્ડ નમકીનના માલિક બાબુલાલ ચૌધરીની MNSના કાર્યક્રરોએ મારઝૂડ કરી હતી એ પછી સતત ચર્ચાનો વિષય બનેલા મીરા રોડમાં ગઈ કાલથી MNSના કાર્યકરોએ રાજ ઠાકરેના આગમનની તૈયારી શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં સભા માટેની પરવાનગી MBVV પોલીસ પાસે માગવામાં આવશે એવી માહિતી MNSના કાર્યકરોએ આપી હતી.
MNSના એક સિનિયર કાર્યકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મીરા રોડમાં યોજાયેલા મોરચાને સફળતા મળ્યા બાદ સ્થાનિક લોકોમાં મરાઠી ભાષા વિશેનો પ્રેમ જોઈને રાજ ઠાકરે ૧૮ જુલાઈએ મીરા-ભાઈંદરમાં સ્થાનિક લોકોને મળવા અને સભા યોજવા આવી રહ્યા છે. આ સભામાં શિવસેના (UBT) અને મરાઠી એકીકરણ સમિતિના સભ્યો સહિત અન્ય સમિતિના સભ્યો જોડાય એવી શક્યતા છે. સભા ક્યાં યોજવી એ વિશે શોધખોળ ચાલી રહી છે, કારણ કે રાજ ઠાકરેની સભામાં લાખોની સંખ્યામાં લોકો ભેગા થાય એવી શક્યતા છે એટલે મોટી જગ્યા શોધી રહ્યા છીએ. જગ્યા નક્કી થયા બાદ અમે પોલીસ પાસેથી પરમિશન માટે અપ્લાય કરીશું.’

