સોમવારના વરસાદમાં જળબંબાકાર થઈ ગયું હતું
વરસાદનાં પાણી ભરાઈ જવાથી બંધ કરી દેવાયેલું મેટ્રો-૩નું આચાર્ય અત્રે ચોક સ્ટેશન ગઈ કાલથી ફરી ચાલુ કરવામાં આવ્યું હતું.
મેટ્રો-૩ના આચાર્ય અત્રે ચોક સ્ટેશનમાં ગયા સોમવારે પડેલા ભારે વરસાદમાં પાણી ભરાઈ ગયાં હતાં અને બધું ખેદાનમેદાન થઈ ગયું હતું એટલે એ સ્ટેશન ટેમ્પરરી બંધ કરી દેવામાં આવ્યું હતું. એ પછી મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRCL) દ્વારા ક્લીનિંગ કરી જરૂરી એવું બધું જ સમારકામ કરી ગઈ કાલે બપોરે એક વાગ્યાથી ફરી એક વાર સ્ટેશન ઑપરેશનલ કરી દેવાયું હતું અને આરેથી આચાર્ય અત્રે ચોક સુધી ટ્રેન દોડાવવામાં આવી હતી.
સોમવારે પડેલા ભારે વરસાદમાં મેટ્રો-૩ના આચાર્ય અત્રે ચોક સ્ટેશનમાં પાણી ભરાયાં હતાં અને સાથે જ મોટા પ્રમાણમાં કચરો પણ આવી ગયો હતો જેના કારણે સ્ટેશન આખામાં દુર્ગંધ વ્યાપી ગઈ હતી. સાવચેતીના પગલારૂપે એસ્કેલેટર પણ બંધ કરી દેવાયાં હતાં. હવે બધી જગ્યાએથી સાફસફાઈ અને સમારકામ કરી સ્ટેશન પાછું રાબેતા મુજબ ચાલુ કરી દેવાયું છે.


