હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોથી ઑક્ટોબરથી વરસાદનાં વળામણાં શરૂ થશે
તસવીર: PTI
મુંબઈ ઃ આ વર્ષનું ચોમાસું પૂરું થવામાં છે અને ચોથી ઑક્ટોબરથી આ સીઝન પૂરી થવાની શરૂઆત થશે. જોકે જતાં-જતાં વરસાદ રાજ્યના મુંબઈ, થાણે અને રાયગડ સહિતના વિસ્તારોમાં વચ્ચે-વચ્ચે ધોધમાર પડી શકે છે. અરબી સમુદ્રમાં હવામાનમાં આવેલા ફેરફારને લીધે સામાન્ય કરતાં વધુ વળતો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગની માહિતી મુજબ ચોથી ઑક્ટોબરથી ચોમાસાના અંતની શરૂઆત થશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો ૯૫ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. અરબી સમુદ્રમાં આગામી ૨૪ કલાકમાં સાઇક્લોનની ઝડપ વધવાની શક્યતા છે એટલે મુંબઈ, થાણે, પાલઘર, રત્નાગિરિ સહિતના જિલ્લાઓમાં અત્યારે પડી રહેલા છૂટાછવાયા વરસાદની તીવ્રતા વધી શકે છે. કેટલાંક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. ગોવાથી કોંકણના સમુદ્રકિનારા માટે ઑરેન્જ અલર્ટ જારી કરવામાં આવી છે.
૨૪થી ૪૮ કલાક દરમ્યાન રાજ્યનાં કેટલાંક સ્થળે જોરદાર હવા અને વાદળાંની ગડગડાટી સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે એટલે લોકોએ સાવધ રહેવાની ચેતવણી હવામાન વિભાગે જારી કરી છે. શ્રાદ્ધ પક્ષમાં સામાન્ય રીતે બપોર બાદ કે સાંજના સમયે કેટલાક અંશે વરસાદ પડે છે, પણ આ વખતે ચોથી ઑક્ટોબરની આસપાસ વધુ પ્રમાણમાં વરસાદ થઈ શકે છે.


