૬૪ વર્ષના વડીલના ઘરમાંથી ૮૫,૫૦,૦૦૦ રૂપિયાની કિંમતનું ૯૦૦ ગ્રામ સોનું ચોર્યું
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
નવી મુંબઈના નેરુળમાં રહેતા ૬૪ વર્ષના વડીલના ઘરમાંથી સોનાનાં ઘરેણાં, બિસ્કિટ અને સિક્કા એમ કુલ ૮૫,૫૦,૦૦૦ રૂપિયાની કિંમતનું સોનું ચોરવાના કેસમાં ૩ કામવાળીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
છેલ્લાં પાંચ વર્ષથી ફરિયાદી વડીલના ઘરમાં કામ કરતી ત્રણ કામવાળીઓએ થોડું-થોડું કરીને આશરે ૯૦૦ ગ્રામ સોનાની ચોરી કરી હતી. ફરિયાદી તેમની પત્ની તથા દીકરી સાથે નેરુળમાં રહે છે. વર્ષ ૨૦૨૦થી ત્રણ કામવાળીઓ તેમના ઘરે કામ કરતી હતી. દરમ્યાન ઘરમાં બધાનો વિશ્વાસ જીતીને ઘરના લોકોનું ધ્યાન ન હોય એ સમયે ચોરી કરતી હતી. મોટા ભાગની ચોરી એપ્રિલથી જૂન મહિના વચ્ચે થઈ હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
બે આરોપી મહિલા નેરુળની રહેવાસી છે, જ્યારે એક મહિલા રેલવે સર્વન્ટ ક્વૉર્ટર્સમાં રહેતી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ ત્રણ કામવાળીઓ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.


