ગ્રુપના લોકો સાથે ઝઘડો કરીને એક યુવાને પૉઇન્ટ પરથી નીચે ઝંપલાવી દીધું, પણ સ્થાનિક રેસ્ક્યુ ટીમે તેને બચાવી લીધો
ઘટનાસ્થળ
સુરતથી લોનાવલા ફરવા આવેલા ૨૦ લોકોના ગ્રુપની મજા સજામાં ફેરવાઈ ગઈ હતી. આ ગ્રુપ સાથે આવેલા ૩૧ વર્ષના આશિષ કાનપરાએ ગ્રુપના લોકો સાથે ઝઘડો કરીને ખંડાલાના રાજમાચી પૉઇન્ટ પરથી નીચે ઝંપલાવી દીધું હતું. જોકે સ્થાનિક લોનાવલા શિવદુર્ગા રેસ્ક્યુ ટીમ તેને બચાવી લીધો હતો.
આશિષને જો બચાવી લેવામાં ન આવ્યો હોત તો તેનો જીવ પણ જઈ શકતો હતો એમ જણાવતાં શિવદુર્ગા રેસ્ક્યુ ટીમના પ્રમુખ સુનીલ ગાયકવાડે કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ અમને માહિતી મળી હતી કે રાજમાચી પૉઇન્ટથી કોઈ યુવાન નીચે પડી ગયો છે. ત્યાર બાદ અમારી રેસ્ક્યુ ટીમના મેમ્બરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારે આશિષ વચ્ચોવચ ફસાયેલો દેખાયો હતો. તે એક રેલિંગ પકડીને એક જગ્યા પર ઊભો હતો. ત્યાર બાદ અમારી ટીમના મેમ્બરો આશરે એક કલાકની મહેનત બાદ સાવચેતીપૂર્વક આશિષને નીચે લઈ આવ્યા હતા. એ પછી અમે આશિષને ખંડાલા પોલીસ-સ્ટેશનના તાબામાં આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે આશિષે નશો કર્યો હતો.’
ADVERTISEMENT
હાલમાં હું એકદમ બરોબર છું અને સુરત જવા નીકળી ગયો છું એમ જણાવતાં આશિષ કાનપરાએ કહ્યું હતું કે ‘મારી એક ભૂલની ગઈ કાલે મને બહુ મોટી સજા મળી હોત. જોકે હું સાવચેતીપૂર્વક નીચે આવી ગયો છું. મને ક્યાંય વાગ્યું નથી. હું સુરતનો રહેવાસી છું અને બજાજ કંપનીમાં નોકરી કરું છું. અમારી કંપનીના ૨૦ મેમ્બરો સાથે હું લોનાવલા ફરવા આવ્યો હતો.’