દાદરના શિવાજી પાર્કમાં આવેલા બીએમસીના સ્વિમિંગ-પૂલમાં ગઈ કાલે વહેલી સવારે ૫.૩૦ વાગ્યે બે ફુટનું મગરનું બચ્ચું તરતું દેખાયું હતું. આ બાબતે તરત જ વન ખાતાને જાણ કરાઈ હતી.

ગઈ કાલે દાદરમાં મગરના બચ્ચા સાથે વનવિભાગના અધિકારીઓ. આશિષ રાજે
મુંબઈ : દાદરના શિવાજી પાર્કમાં આવેલા બીએમસીના સ્વિમિંગ-પૂલમાં ગઈ કાલે વહેલી સવારે ૫.૩૦ વાગ્યે બે ફુટનું મગરનું બચ્ચું તરતું દેખાયું હતું. આ બાબતે તરત જ વન ખાતાને જાણ કરાઈ હતી. મગરના એ બચ્ચાને બીએમસીના એક્સપર્ટ કર્મચારીઓએ રેસ્ક્યુ કરીને વન ખાતાને સોંપ્યું હતું. જોકે એ મગરનું બચ્ચું સ્વિમિંગ-પૂલમાં આવ્યું કઈ રીતે એ બાબતે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નહોતી.
સ્વિમિંગ-પૂલના કો-ઑર્ડિનેટર સંદીપ વૈશમ્પાયને આ બાબતે કહ્યું હતું કે ‘રોજ સવારે લોકો માટે પૂલ ખુલ્લો મૂકતાં પહેલાં કર્મચારીઓ દ્વારા એની સફાઈ કરવામાં આવે છે અને એની ચકાસણી કરાય છે. ગઈ કાલે સવારે એ ચકાસણી દરમ્યાન મગરનું એક બચ્ચું પૂલમાં તરતું દેખાયું હતું. એથી તરત જ એ માટે પ્રાણીઓને રેસ્ક્યુ કરતા એક્સપર્ટ્સને એની જાણ કરવામાં આવી હતી. તેમણે આવીને એ બચ્ચાને સહીસલામત બહાર કાઢ્યું હતું અને ત્યાર બાદ એની સોંપણી વન ખાતાને કરી હતી. મગરનું બચ્ચું આ સ્વિમિંગ-પૂલમાં કઈ રીતે આવ્યું એની અમે તપાસ કરી રહ્યા છીએ.’
અત્યારે તો આ મગરને લઈને આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે. અમુક લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે ગયા વર્ષે સ્વિમિંગ પૂલની પાછળ આવેલી જગ્યામાં શરૂ કરવામાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાંથી આ મગર આવી ગયો હોવો જોઈએ. જોકે આ આક્ષેપોનો ઇન્કાર કરતા પ્રાણી સંગ્રહાલયનું કહેવું છે કે અમને હેરાન કરવાના ઇરાદે અમારા જ હિતશત્રુએ સ્વિમિંગ પૂલમાં મગર છોડ્યો હોવો જોઈએ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ આ વિવાદમાં કૂદી પડ્યું છે અને ગઈ કાલે સવારે એના નેતા સંદીપ દેશપાંડે ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે આ બાબતે પોલીસને ડીટેલમાં તપાસ કરવા જણાવ્યું હતું.

