પોલીસે કૉન્ટ્રૅક્ટર્સની સામે ફરિયાદ નોંધીને બન્નેની બેદરકારી બદલ ધરપકડ કરી
પ્રતીકાત્મક તસવીર
જોગેશ્વરી ટ્રાફિક વિભાગ સાથે જોડાયેલા ટ્રાફિક-કૉન્સ્ટેબલ ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પર કાર્યવાહી માટે ગયા હતા. એ દરમ્યાન રોડ પર ગટર નજીક ખોદીને બૅરિકેડ્સ ન લગાડ્યાં હોવાથી ટ્રાફિક-કૉન્સ્ટેબલ ગટરમાં પડી ગયા હતા, જેમાં તેમને પગમાં માર લાગતાં આશરે ૧૨થી ૧૩ ટાંકા આવ્યા હતા. અંતે ઘટનામાં કૉન્ટ્રૅક્ટરની બેદરકારી સામે આવતાં વનરાઈ પોલીસે બે કૉન્ટ્રૅક્ટર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંધેરી-ઈસ્ટમાં મરોલ રોડ પર વિજયનગર સ્થિત એક સોસાયટીમાં રહેતા અને જોગેશ્વરી ટ્રાફિક વિભાગ સાથે જોડાયેલા ૫૭ વર્ષના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર કમલાકર ચવાણે કરેલી ફરિયાદ અનુસાર ૧૦ ફેબ્રુઆરીએ જોગેશ્વરી ટ્રાફિક વિભાગમાં નાઇટ શિફ્ટમાં પોલીસ કૉન્સ્ટેબલ નીતિન કદમ સાથે ફરજ બજાવી રહ્યા હતા. દરમ્યાન તેઓ ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પર ટ્રાફિક-ભીડ અને રોડ પર ગેરકાયદે પાર્ક કરાયેલાં વાહનો સામે ઈ-ચલાન દ્વારા કાર્યવાહી માટે ગયા હતા ત્યારે પાંડુરંગવાડી ગોરગામ-મુલુંડ લિન્ક રોડ પર રોડનું કામ ચાલુ હોવાનું તેમણે જોયું હતું. થોડા આગળ વધી કાર્યવાહી કરવા જતાં કૉન્સ્ટેબલ નીતિને પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. તેમનો જમણો પગ ખુલ્લી ગટરમાં જતાં તેઓ તે જગ્યાએ નવી બનેલી ગટરમાં પડ્યા હતા. તેમને બીજા લોકોની મદદથી તરત બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર તેમના પગમાંથી લોહી નીકળતું જોઈ તરત ઇલાજ માટે ટ્રોમા કૅર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડૉક્ટરે તેમની તપાસ કરી પગમાં આશરે ૧૨થી ૧૩ ટાંકા લીધા હતા. ઘટનાની જાણ વનરાઈ પોલીસ સ્ટેશનને કરતાં તેઓએ સુપરવાઇઝર પ્રવીણ પુરોહિત અને ભાવેશ પુરોહિત સામે બેદરકારીની ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
વનરાઈ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રામપ્રિયે રાજભરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે સુપરવાઇઝર અને કૉન્ટ્રૅક્ટર સામે ફરિયાદ નોંધી તેઓની ધરપકડ કરી છે. આ કેસમાં ટ્રાફિક અધિકારીની હાલત હવે સુધાર પર છે.