બાપ્પાએ આ વર્ષે તિરુપતિ બાલાજીનાં પ્રતીકો ધારણ કર્યાં છે
ચિંચપોકલીચા ચિંતામણિ, મુંબઈચા પેશવા, પરળચા રાજા
ચિંચપોકલીચા ચિંતામણિના આગમનમાં માનવમહેરામણ ઊમટ્યો
લોકમાન્ય ટિળક દ્વારા સમાજને એકઠો કરીને સ્વતંત્રતાની ચળવળ માટે જાગૃત કરવાના પ્રયાસરૂપે ગિરગામની કેશવજી નાઈક ચાલમાં સૌથી પહેલાં સાવર્જનિક ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. એ પછી ૧૯૨૦માં કપડાંની મિલોને કારણે ગિરણગાવ તરીકે ઓળખાતા લાલબાગ-પરેલ વિસ્તારના ‘ચિંચપોકલીચા ચિંતામણિ’ની પધરામણી કરાઈ હતી. આજે ૧૦૭ વર્ષ પછી ‘ચિંચપોકલીચા ચિંતામણિ’માં લાખો લોકો શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે. ગઈ કાલે પરેલ વર્કશૉપમાંથી બાપ્પાનું મંડપમાં વાજતે-ગાજતે આગમન થયું હતું. હજારો લોકો આગમનની આ શોભાયાત્રામાં જોડાયા હતા. અનેક ઢોલ-તાશા પથકોના તાલે ‘ગણપતિબાપ્પા મોરયા’ અને ‘ચિંચપોકલીચા ચિંતામણિચા વિજય અસો’ના ગગનભેદી નારાઓ સતત ગુંજી રહ્યા હતા. બાપ્પાના આગમનને કારણે પરેલના ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડથી લઈને લાલબાગ સુધી એક બાજુ ટોટલ બ્લૉક થઈ ગઈ હતી. બપોરે શરૂ થયેલી શોભાયાત્રા મોડી રાતે પૂરી થઈ હતી.
મંડળના જણાવ્યા અનુસાર આ વર્ષે ‘ચિંચપોકલીચા ચિંતામણિ’એ તિરુપતિ બાલાજીનાં પ્રતીકો ગરુડ, શંખ, ચક્ર અને કર્પુર તિલક ધારણ કર્યાં છે. આ ઉપરાંત મંડપની સજાવટમાં પણ દક્ષિણનાં મંદિરોની ભવ્ય પ્રતિકૃતિનો સમન્વય કર્યો છે. હૈદરાબાદના શ્રી વેન્કટેશ્વર મંદિર (સ્વર્ણગિરિ) અને ભુવનગિરિ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જેમાં ઊંચા ગોપુરમ (ગર્ભગૃહ), દીપસ્તંભ અને અન્ય મનમોહક આકૃતિઓ સર્જવામાં આવી છે. આધુનિક ટેક્નૉલૉજીની મદદથી પરંપરાગત કલાવારસાનું, સંસ્કૃતિનું સારી રીતે જતન કરવામાં આવ્યું છે. આ વર્ષે ‘ચિંચપોકલીચા ચિંતામણિ’ની આસ્થાભરી ઉજવણી માટે અદાણી ગ્રુપ મંડળ સાથે જોડાયું છે.
ADVERTISEMENT
મુંબઈચા પેશવાની ગણપતિની કાગળની કલાત્મક અદ્ભુત મૂર્તિ વાઇરલ થઈ
મુંબઈનાં અનેક મંડળોમાં ગણપતિની મોટી, ઊંચી અને વજનદાર મૂર્તિઓ લાવવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ વિલે પાર્લે-ઈસ્ટના શ્રદ્ધાનંદ રોડ પર આવેલી આકાશ કિરણ સોસાયટીમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી કાગળની લૂગદીમાંથી તૈયાર કરેલા મુંબઈચા પેશવાની મૂર્તિની પધરામણી થાય છે. ગઈ કાલે તેમની મૂર્તિ વર્કશૉપથી મંડપમાં લઈ જવાતી હતી ત્યારે એ અનોખી અને સુંદર મૂર્તિને જોવા લોકો ઊભા રહી જતા હતા. હંસના સિંહાસન પર એક બાજુ કમળમાં બ્રહ્માજી, બીજી બાજુ વીણાવાદન કરતાં સરસ્વતીદેવી અને હવામાં અધ્ધર રહેતી ગણેશજીની વીણાવાદન કરતી મૂર્તિ જોઈને લોકો દંગ રહી ગયા હતા અને બૅલૅન્સિંગની અનોખી કરામત કરીને આવી અદ્ભુત મૂર્તિ બનાવનાર મૂર્તિકારનાં વખાણ કરતા જોવા મળ્યા હતા. પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિ કૂદરતી જળસ્રોતમાં વિસર્જિત કરવાથી પાણીમાં થતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને મંડળ દ્વારા પર્યાવરણના જતન માટે લેવાયેલા પગલાને લોકો બિરદાવી રહ્યા હતા.
બાપ્પા નિઘાલે પંઢરી પરળચા રાજા બન્યા વારકરી
પંઢરપુરમાં વિરાજમાન વિઠ્ઠલમાં શ્રદ્ધા રાખનારા વારકરી પંથના ભક્તો સંત તુકારામ પહેરતા એવી આડી પાઘડી, ગળામાં તુલસીમાળા અને કપાળમાં લાંબું વિષ્ણુપંથી તિલક કરી તંબૂરો, પખવાજ અને મંજીરા સાથે ભજન-કીર્તન કરતા પગપાળા દિંડી (યાત્રા) કાઢીને પંઢરપુર દર્શને જતા હોય છે. આ વખતે પરેલના નરે પાર્કના ‘પરળચા રાજા’ની મૂર્તિ પણ વારકરી સ્વરૂપમાં બનાવવામાં આવી છે. માથે આડી પાઘડી, બ્લુ પહેરણ અને પીળા પીતાંબરમાં શોભતા ગણપતિએ કપાળમાં વિષ્ણુપંથી તિલક કર્યું છે અને કાનમાં મત્સ્યનાં કુંડળ ધારણ કર્યાં છે. ૬ ભુજાઓ ધરાવતા ગણપતિએ હાથમાં કરતાલ, વીણા અને મૃદંગ ધારણ કર્યાં છે અને સૂંઢથી શંખ વગાડીને વિઠ્ઠલની આરાધના કરી રહ્યા છે. ગઈ કાલે પરેલ વર્કશૉપથી તેમની ભવ્ય મૂર્તિ મંડપમાં લઈ જવાતી હતી ત્યારે હજારો ભાવિકોએ તેમનાં દર્શન કર્યાં હતાં અને ગણપતિબાપ્પા મોરયાનો જયજકાર કર્યો હતો. SPC ગોવિંદા પથકે પરળચા રાજાને થર બનાવીને સલામી પણ આપી હતી.
