વસઈમાં રહેતા યુવકે ત્રણેયના નામે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર બારથી વધુ બોગસ અકાઉન્ટ ખોલીને અશ્લીલ ભાષામાં બદનામી કરી
પ્રતીકાત્મક તસવીર
વસઈના દીવાનમાન વિસ્તારમાં રહેતી બાવીસ વર્ષની યુવતી સહિત તેના પરિવારના સભ્યો પાસે પૈસા પડાવવાના હેતુથી તેના પતિ સોનુ કેવટે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર બારથી વધુ બોગસ અકાઉન્ટ ખોલીને બદનામી કરી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં માણિકપુર પોલીસે સોનુ સહિત ચાર જણ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે યુવતીએ ફરિયાદમાં દાવો કર્યો હતો કે ૨૦૨૪માં તેનાં લગ્ન સોનુ સાથે થયાં હતાં. એ પછી ડાયમન્ડ માર્કેટમાં કામ કરતા સોનુએ પોતાની ઉધારી ચૂકવવા માટે ૧૦ લાખ રૂપિયા અને પાંચ તોલા સોનાની માગણી કરી હતી જે આપવાનો ઇનકાર કરતાં સોનુએ યુવતીના પરિવારના સભ્યોના ફોટો વાપરી સોશ્યલ મીડિયા પર અકાઉન્ટ ખોલ્યાં હતાં એટલું જ નહીં, તમામ અકાઉન્ટમાં ફોટો પોસ્ટ કરી કૅપ્શનમાં અપશબ્દો લખીને તેમની બદનામી કરવામાં આવી હતી.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર બોગસ અકાઉન્ટ ખોલવા માટે જે ઇન્ટરનેટ પ્રોટોકૉલ (IP) ઍડ્રેસ વાપરવામાં આવ્યું હતું એની અમે તપાસ કરી રહ્યા છીએ એમ જણાવતાં માણિકપુરના પોલીસ-ઇન્સ્પેક્ટર દુર્ગા ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યુવતીનાં લગ્ન થયા બાદ તેના પતિ સોનુએ વારંવાર તેની પાસેથી પૈસાની માગણી કરી હતી, પણ તેના માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેમણે આપવાનો ઇનકાર કર્યો હતો. એ દરમ્યાન ૨૦ જાન્યુઆરીએ યુવતી ઘરે હતી ત્યારે તેના પતિએ તેને ફોન કરીને ફેસબુક પોસ્ટ જોવા કહ્યું હતું જેમાં એક બોગસ અકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. એના પ્રોફાઇલ-પિક્ચરમાં યુવતીનો ફોટો વાપરવામાં આવ્યો હતો એટલું જ નહીં, અકાઉન્ટમાં કરેલી એક પોસ્ટમાં અપશબ્દો લખવામાં આવ્યા હતા. એ સમયે યુવતીએ પોતાનું લગ્નજીવન ટકાવી રાખવા એના પર વધારે ધ્યાન આપ્યું નહોતું, પણ એ પછી ફેબ્રુઆરીના અંત સુધીમાં યુવતી સહિત તેનાં માતા-પિતા અને તેની બહેનના નામે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર બારથી વધારે અકાઉન્ટ ખોલવામાં આવ્યાં હતાં. એ અકાઉન્ટને યુવતી અને તેના પરિવારના સભ્યોએ ઇગ્નૉર કર્યાં હતાં, પણ હદ ત્યારે થઈ હતી જ્યારે ૪ માર્ચે યુવતીનો ફોટો મૉર્ફ કરી નગ્નાવસ્થામાં એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. એની જાણ યુવતીને થતાં તેણે તાત્કાલિક અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે અમે ટેક્નિકલ ટીમની મદદથી વધુ તપાસ કરી રહ્યા છીએ. હાલમાં કોઈની ધરપકડ કરી નથી.’

