હિન્દુ સંગઠને પ્રસાદમાં મિલાવટી તત્ત્વોનો ઉપયોગ અટકાવવા માટે નાશિકના યંબકેશ્વરથી આવાં સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરી
યંબકેશ્વરમાં ઓમ સર્ટિફિકેટના વિતરણના શુભારંભ વખતે રણજિત સાવરકર, અભિનેતા શરદ પોંક્ષે અને સાધુ-મહંતો.
હિન્દુ મંદિરોમાં ભગવાનને ચડાવવા માટેના પ્રસાદમાં ગાયની ચરબી કે બીજી કોઈ ભેળસેળ કરવામાં નથી આવી એનું ૐ સર્ટિફિકેટ આપવાની શરૂઆત નાશિકમાં આવેલા અને ૧૨ જ્યોતિર્લિંગમાં સામેલ યંબકેશ્વર મંદિરમાં કરવામાં આવી છે. સ્વાતંયવીર વિનાયકે દામોદર સાવરકરના પૌત્ર અને ૐ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ રણજિત સાવરકરે શુક્રવારે આવાં ૧૫ ઓમ સર્ટિફિકેટ મીઠાઈ બનાવનારાઓને વિતરિત કર્યાં હતાં. રણજિત સાવરકરે આ વિશે માહિતી આપી હતી કે ‘થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે યંબકેશ્વર મંદિરમાંથી મિલાવટવાળા ઘીના પેંડા જપ્ત કરવામાં આવ્યા. અમરાવતીમાં પણ પેંડા બનાવવા માટે ગાયની ચરબીની મિલાવટ સાથેના ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું. આવા ઘીનાં ૧૦૦ ગ્રામનાં પૅકેટ મંદિરમાં મોકલવામાં આવતાં હતાં. આવી ભેળસેળ રોકવા માટે અમે મંદિરો માટે પ્રસાદ બનાવનારાઓને ઓમ સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરી છે. આ અભિયાન આખા દેશમાં ચલાવવામાં આવશે.’



