સગીરાને ગુજરાતથી લાવીને હોટેલમાં તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન થયો : ટીનેજર સોશ્યલ મીડિયા પર પોતાની રીલ્સ બનાવીને પોસ્ટ કરતી હતી : ડી. એન. નગર પોલીસે આરોપીની ધરપકડ કરી
ગુજરાતી ટીનેજર સાથે દુષ્કર્મ કરનાર સાજિદ ખાન.
મુંબઈ : ગુજરાતી ફિલ્મોમાં કામ અપાવવાના નામે સગીર ગુજરાતી છોકરીની જાતીય સતામણી કરવાનો મામલો સામે આવ્યો છે. આ પ્રકરણે ડી. એન. નગર પોલીસે પોક્સો હેઠળ કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પોતે ગુજરાતી ફિલ્મનો ડિરેક્ટર હોવાનું કહેતો હતો. ટીનેજર સાથે શારીરિક દુષ્કર્મ કરવાનો આરોપ સાજિદ શેખ પર કરવામાં આવ્યો હતો. એથી પોલીસે કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી. ટીનેજર ગુજરાતની છે અને તે સોશ્યલ મીડિયા પર પોતાના વિડિયોની રીલ્સ બનાવીને પોસ્ટ કરતી હતી.
ટીનેજરના કાકાએ ૧૩ ડિસેમ્બરે આરોપી સાજિદ ખાન સાથે તેની મુલાકાત કરાવી હતી. ટીનેજરની એવી આશાએ ઓળખ કરાવવામાં આવી હતી કે સાજિદ ખાન તેને અભિનય શીખવશે અને ફિલ્મોમાં કામ પણ આપશે. ટીનેજરના પરિવારે આરોપી સાજિદ ખાન પર આંધળો વિશ્વાસ મૂક્યો હતો, જેનો ફાયદો ઉઠાવીને સાજિદ ખાન તેને મુંબઈ લાવ્યો હતો. સાજિદ ખાને અંધેરીની એક હોટેલમાં રૂમ બુક કરાવી હતી, જ્યાં બન્ને રોકાયાં હતાં. ૨૫ ડિસેમ્બરે સવારે સાજિદ ખાને અચાનક જ ટીનેજરના માથા પર ચુંબન કર્યું હતું અને તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલે ટીનેજર ગભરાઈ ગઈ હતી અને આરોપી ઊલટો થઈને સૂઈ ગયો હતો. ગભરાયેલી ટીનેજર રૂમમાંથી બહાર આવીને પોલીસમાં ફરિયાદ કરવા ગઈ હતી. પોલીસે ગંભીરતા બતાવીને તરત જ કેસ નોંધ્યો હતો અને સાજિદ ખાનની હોટેલની રૂમમાંથી ધરપકડ કરી હતી.
