જોકે બ્રિજની પહેલી બે લેનનું કામ પૂરું થતાં હજી થોડા મહિના લાગશે : બીએમસી આ બ્રિજને ફેબ્રુઆરીમાં આંશિક રીતે ખુલ્લો મૂકવાનું વિચારે છે
તસવીર: અનુરાગ અહિરે
મુંબઈ : ગોખલે બ્રિજ પર ગર્ડર નાખવાનું ભગીરથ કામ આખરે આજે રાતે પૂરું થશે. બ્રિજની પહેલી બે લેનનું કામ પૂરું થતાં બે-ત્રણ મહિના લાગશે.૧૩૦૦ ટનના વજનવાળા આ ગર્ડરને ઈસ્ટમાંથી વેસ્ટમાં ગોઠવવાનો છે. ગર્ડરને પહેલાં ઉત્તર દિશામાં ગોઠવવામાં આવશે અને ત્યાર બાદ ૧૫ દિવસની અંદર એને નીચે લાવવામાં આવશે. આ કામ બેથી ત્રણ રાતના સમયમાં થશે. બ્રિજનું કામ પૂરું થવામાં કમસે કમ બેથી ત્રણ મહિના લાગશે. બ્રિજ પર આ મોટું કામ ચાલી રહ્યું હોવાથી નવેમ્બર ૨૦૨૨માં આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો. ગર્ડર ગોઠવવાના હેતુથી વેસ્ટર્ન રેલવેમાં રાત્રે ફક્ત ત્રણ કલાકનો બ્લૉક રાખવામાં આવશે. બીએમસી આ બ્રિજને ફેબ્રુઆરી ૨૦૨૪માં આંશિક રીતે ખુલ્લો મૂકવાનું વિચારી રહ્યું છે. જોકે આ બ્રિજ ખુલ્લો મૂકવા માટેની મૂળ ડેડલાઇન મે-૨૦૨૩ હતી.
બ્રિજને ડિસેમ્બર ૨૦૨૨માં ડિમોલિશ કરવામાં આવ્યો હતો અને પછી કામ પૂરું થતાં ચાર મહિના લાગ્યા હતા. અંધેરી લોખંડવાલા ઓશિવરા સિટિઝન અસોસિએશનના સંસ્થાપક ધવલ શાહે કહ્યું હતું કે અનેક ડેડલાઇન પસાર થઈ ગઈ છે એટલે હવે અમે એવી આશા રાખીએ છીએ કે આ વખતે સમયસર બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે.