નવી પેઢી શિવાજી મહારાજનું પરાક્રમ જોઈ શકે એ માટે...
પુણેના મૂર્તિકાર દીપક થોપટેએ તૈયાર કરેલું વધનું પૂતળું.
હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજે આદિલશાહના કદાવર અને તાકાતવાન સેનાપતિ અફઝલ ખાનનો ૧૬૫૯ની ૧૦ નવેમ્બરે પ્રતાપગઢ કિલ્લાની તળેટીમાં વધ કર્યો હતો. આ પરાક્રમી પ્રસંગ ૩૬૫ વર્ષ જૂનો હોવા છતાં શિવપ્રેમીઓ આજેય ભૂલ્યા નથી. નવી પેઢી છત્રપતિ શિવાજી મહારાજના પરાક્રમને નજરે જોઈ શકે એ માટે મહારાષ્ટ્ર સરકારે વધના સ્થળે ૧૮ ફીટ ઊંચાઈનું પૂતળું મૂકવાનો નિર્ણય લીધો છે. આ વિશે ભારતીય જનતા પાર્ટીના મલબાર હિલના વિધાનસભ્ય અને રાજ્ય સરકારના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજે અફઝલ ખાનનો વધ કર્યો હતો એ પરાક્રમ નવી પેઢી જોઈ શકે એ માટે પ્રતાપગઢ કિલ્લાની તળેટીમાં આ પ્રસંગનું પૂતળું મૂકવામાં આવશે. પૂતળું બનાવવાનું કામ પૂરું થવામાં છે. આથી આવતા મહિને આ પૂતળાનું અનાવરણ કરવામાં આવશે. પુણેમાં મૂર્તિકાર દીપક થોપટે આ પૂતળું બનાવી રહ્યા છે.’ ઉલ્લેખનીય છે કે છત્રપતિ શિવાજી મહારાજે અફઝલ ખાનનો વધ ૧૦ નવેમ્બરે કર્યો હતો એટલે દર વર્ષે આ દિવસને શિવપ્રતાપ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

