રિસર્ચ પૂરું, ટેસ્ટિંગ શરૂ : નવથી ૧૬ વર્ષની કિશોરીઓને અપાશે
પ્રતીકાત્મક તસવીર
કૅન્સરની વૅક્સિન બાબતે ગઈ કાલે કેન્દ્ર સરકારે મહત્ત્વની માહિતી આપી હતી. કેન્દ્રીય આરોગ્ય, પરિવાર કલ્યાણ અને આયુષ મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન પ્રતાપરાવ જાધવે ગઈ કાલે છત્રપતિ સંભાજીનગરમાં પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘મહિલાઓમાં થતા કૅન્સર માટેની વૅક્સિન પરનું રિસર્ચ લગભગ પૂરું થઈ ગયું છે અને અત્યારે વૅક્સિનનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આથી ભારતમાં આ વૅક્સિન પાંચથી છ મહિનામાં ઉપલબ્ધ થઈ જશે. નવથી ૧૬ વર્ષની કિશોરીઓને આ કૅન્સરની વૅક્સિન આપવામાં આવશે. ભારતમાં કૅન્સરના દરદીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ બીમારીને કાબૂમાં લેવા માટે આ વૅક્સિન તૈયાર કરી છે. ૩૦ વર્ષથી મોટી ઉંમરની મહિલાઓનું હૉસ્પિટલોમાં સ્ક્રીનિંગ કરવામાં આવશે. કૅન્સરની અગાઉથી જાણ થઈ શકે એ માટે ડે કૅર કૅન્સર સેન્ટર બનાવવામાં આવશે. વૅક્સિન લેવાથી મહિલાઓમાં થતા સ્તન, મોઢા અને ગર્ભાશયના કૅન્સર પર નિયંત્રણ આવશે.’

