અધિક માસમાં ભગવાન પુરુષોત્તમનાં દર્શન કરવા બીડ જિલ્લાના ગોળેગાવમાં ગોદાવરી નદીમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બોટ ઊંધી વળી, બે મહિલાનાં મોત
ગોદાવરી નદીમાં શ્રદ્ધાળુઓને બચાવવા પહોંચેલી ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમ અને સ્થાનિક માછીમારો.
બુધવારે સવારે સાડાદસ વાગ્યે બીડ જિલ્લાના ગોળેગાવમાં ગોદાવરી નદીમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બોટ ઊંધી વળી જતાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. અહીંના માજલગાવ તહેસીલથી ૨૦ કિલોમીટર દૂર પુરુષોત્તમપુરી આવેલું છે જેમાં ભગવાન પુરુષોત્તમનું મંદિર આવેલું છે, જ્યાં બોટથી પ્રવાસ કરીને જ પહોંચાય છે. પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનાં દર્શન કરવા માટે પચાસથી વધુ શ્રદ્ધાળુઓ બોટમાં જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. મૃત્યુ પામનારી એક મહિલાનું નામ પ્રમિલા રોઠાડ હોવાની માહિતી પોલીસે આપી હતી, જ્યારે કાંતાબાઈ નામની અન્ય મહિલાએ પણ જીવ ગુમાવ્યો હતો.
મોટા ભાગના શ્રદ્ધાળુઓ વિદર્ભના હોવાનું જણાય છે. બોટમાં બેઠેલા અન્ય લોકોને બચાવી લેવાયા હતા. તેમણે કહ્યું હતું કે બોટમાં ક્ષમતા કરતાં વધારે લોકોને બેસાડ્યા હોવાના કારણે દુર્ઘટના ઘટી હોવાનું કહેવાય છે. જોકે આ ઘટનાની સંપૂર્ણ તપાસ બીડના કલેક્ટર વિવેક જૉન્સનના નેતૃત્વ હેઠળ થઈ રહી છે અને તેમણે બોટ ઑપરેટર કે જે કોઈ દોષી ઠરશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું.
