કારચાલક મહિલાની ધરપકડ કરીને કારને જપ્ત કરી છે
પ્રતીકાત્મક તસવીર
ભોપાલથી આવેલા ૫૩ વર્ષના વેન્કટ મનયાલા નામના માણસનું ગુરુવારે રાતે નાશિક-મુંબઈ હાઇવે પર રોડ ક્રૉસ કરતી વખતે કારની અડફટે આવી જવાથી મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ કાર ચલાવનાર શ્વેતા જાયસવાલની નૌપાડા પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ગઈ કાલે સવારે વેન્કટ મનયાલા તેમના મિત્રો સાથે સિદ્ધિવિનાયક મંદિર જવાના હતા. ગુરુવારે રાતે તેઓ જમવાનું લેવા બહાર હાઇવે પર નીકળ્યા ત્યારે અકસ્માત થયો હતો.
ભોપાલથી નવ મિત્રો સાથે થાણેમાં ધીરજ નામના મિત્રને ત્યાં તમામ મિત્રો રોકાયા હતા એમ જણાવતાં નૌપાડા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તમામ મિત્રો અલીબાગ ફરવાની સાથે સિદ્ધિવિનાયક મંદિર, મહાલક્ષ્મી મંદિર અને ગેટવે ઑફ ઇન્ડિયા ફરવા જવાનો પ્લાન બનાવીને મુંબઈ આવ્યા હતા. એ મુજબ તેઓ પહેલાં અલીબાગ ફરવા ગયા હતા. ત્યાંથી ગુરુવારે સાંજે પાછા આવ્યા બાદ ગઈ કાલે મુંબઈ ફરવાનો પ્લાન બનાવ્યો હતો. ગુરુવારે રાતે જે હોટેલમાં તેઓ રોકાયા હતા એની આજુબાજુમાં તમામ હોટેલો બંધ જોઈને બીજી હોટેલ ગૂગલ પર સર્ચ કરીને વેન્કટ મનયાલા અને તેમના બે મિત્રો મુંબઈ-નાશિક હાઇવે પર એક હોટેલમાં જમવાનું લેવા નીકળ્યા હતા. ત્યારે હાઇવે ક્રૉસ કરતી વખતે પૂરપાટ આવી રહેલી એક કારે વેન્કટ મનયાલાને ટક્કર મારતાં તે જમીન પર પટકાયા હતા. તેમને ઇલાજ માટે તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હાજર ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ કેસમાં અમે વેન્કટના મિત્ર વિવેક અગ્રવાલની ફરિયાદ નોંધી હતી અને કારચાલક મહિલાની ધરપકડ કરીને કારને જપ્ત કરી છે.’


