આરોપીનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને એનો રિપોર્ટ આવવાનો બાકી છે.
પ્રતીકાત્મક તસવીર
વિક્રોલી-ઈસ્ટના નવભારત શૉપિંગ સેન્ટર નજીક રહેતા ૨૪ વર્ષના કુલદીપસિંહ ગોહિલનું બુધવારે સવારે વાશી બ્રિજ પરથી સ્કૂટર પર જતી વખતે પાછળથી રેતી ભરેલા ડમ્પરની અડફેટે આવતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ મામલે માનખુર્દ પોલીસે ઘટનાની ફરિયાદ નોંધીને ડમ્પરના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. કુલદીપસિંહ તેના મિત્ર મુકેશને વાશી ડ્રૉપ કરવા જઈ રહ્યો હતો ત્યારે રેતી ભરેલું ડમ્પર કાળ બનીને ધસી આવ્યું હતું. એ ઘટનામાં મુકેશ ચૌધરીને પણ ગંભીર ઈજા પહોંચી હતી અને તે હાલમાં બેભાન હાલતમાં હૉસ્પિટલમાં છે.
ડમ્પરચાલક ઓવરટેક કરીને આગળ નીકળી જવા માગતો હતો એ સમયે અકસ્માત થયો હતો. એ ઘટનામાં કુલદીપસિંહના માથા પરથી ડમ્પર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું એમ જણાવતાં માનખુર્દનાં પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રાપ્તિ મંચેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુકેશ અને કુલદીપસિંહ દાદરની એક ગાર્મેન્ટ શૉપમાં સાથે નોકરી કરે છે. બન્ને વિક્રોલી રહે છે અને સારા મિત્રો છે. બુધવારે સવારે મુકેશ પુણે જઈ રહ્યો હતો એટલે તેને વાશી સુધી મૂકવા કુલદીપસિંહ પોતાના સ્કૂટર પર વિક્રોલીથી વાશી જઈ રહ્યો હતો. તેમનું સ્કૂટર વાશી બ્રિજ તરફ જઈ રહ્યું હતું ત્યારે પાછળથી સ્પીડમાં આવતું ડમ્પર તેમના સ્કૂટર સાથે અથડાયું જેમાં કુલદીપસિંહે સ્કૂટર પરથી સંતુલન ગુમાવ્યું હતું. એ પછી ડમ્પરનું પાછળનું ટાયર કુલદીપસિંહના માથા પરથી ફરી વળતાં ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. એ અકસ્માતમાં સ્કૂટરમાં પાછળ બેસેલા મુકેશને માથા અને હાથ-પગમાં ઈજા થઈ હતી અને તેને અમે રાજાવાડી હૉસ્પિટલ લઈ ગયા હતા. હાલમાં તેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતનું કારણ જાણવા અમે ડમ્પર જપ્ત કર્યું છે. આરોપીનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને એનો રિપોર્ટ આવવાનો બાકી છે.’

