Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પૈસાની લેવડદેવડને કારણે કર્ણાટકમાં જૈન સાધુની હત્યા?

પૈસાની લેવડદેવડને કારણે કર્ણાટકમાં જૈન સાધુની હત્યા?

Published : 09 July, 2023 09:28 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

૭૮ વર્ષના દિગંબર જૈનાચાર્યનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી : તેઓ પૈસા ઉધાર આપતા હતા એવું આરોપીઓનું કહેવું છે : ડેડ-બૉડીના ટુકડા ગઈ કાલે ડાંગરના ખેતરના બોરવેલમાંથી મળ્યા

જૈનાચાર્ય કામકુમાર નંદી મહારાજસાહેબ

જૈનાચાર્ય કામકુમાર નંદી મહારાજસાહેબ


શુક્રવારે એક સિનિયર સિટિઝનને જૂનાગઢના ગિરનાર પર્વતની ખીણમાંથી ૪૮ કલાક પછી જીવતા બચાવી લેવામાં આવ્યા એ સમાચારથી જૈન સમાજ ખુશખુશાલ હતો. જોકે ગઈ કાલે કર્ણાટકમાં એક દિગંબર જૈનાચાર્ય કામકુમાર નંદી મહારાજસાહેબની કરપીણ હત્યાના સમાચારે જૈન સમાજને હચમચાવી દીધો છે. ભારતના ઇતિહાસમાં કદાચ પહેલી વાર કોઈ જૈન સાધુની હત્યા કરવામાં આવી હતી. એમાં પણ આ સાધુની હત્યા કર્યા પછી તેમના શરીરના ટુકડા કરીને બોરવેલમાં ફેંકી દીધા હોવાની જાણકારી મળતાં જૈન સમાજ ધ્રૂજી ઊઠ્યો છે અને સ્તબ્ધ થઈ ગયો છે.

આ હત્યાના બનાવમાં કર્ણાટક પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી છે. એમાંથી એક વ્યક્તિ તેમના આશ્રમમાં જૈનાચાર્યની સેવામાં જ હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે જૈન સાધુની હત્યા પૈસાની લેવડદેવડને લઈને થઈ છે. 



મૃતદેહના ટુકડા બોરવેલમાંથી મળ્યા
બેલગાવી જિલ્લાના ચિક્કોડીના હિરેકોડીના જૈન સાધુની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને તેમના શરીરના ભાગો ગઈ કાલે બોરવેલમાંથી મળી આવ્યા હતા એમ જણાવીને ચિક્કોડીના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બસવરાજ યેલિગરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈનાચાર્ય કામકુમાર નંદી મહારાજસાહેબના હત્યારાઓએ તેમના શરીરનાં અંગોના ટુકડા ખટકબાવી ગામના ડાંગરના ખેતરની ટ્યુબવેલમાં નાખ્યા હતા. હત્યારાઓએ જૈન સંતના મૃતદેહના ટુકડા કરી સાડીમાં લપેટીને એને ગાંઠ મારીને બોરવેલમાં ફેંકી દીધા હતા.


આશ્રમમાં જ થશે અંતિમ સંસ્કાર
પોલીસે ગૂંથેલી સાડીમાંથી જૈનાચાર્યના શરીરનાં આખાં અંગો કાઢીને બેલગામની જિલ્લા હૉસ્પિટલમાં પોર્સ્ટમૉર્ટમ માટે મોકલ્યાં હતાં. ગઈ કાલે જિલ્લા હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કર્યા બાદ શ્રદ્ધાળુઓએ આજે હિરેકોડીસ્થિત નંદીપર્વત આશ્રમમાં અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો.


બે દિવસ પહેલાં ગુમ થયા હતા
આ ઘટના બેલગાવીના ચિક્કોડી તાલુકાના હિરેકોડી ગામમાં બની હોવાનું જાણવા મળે છે. કર્ણાટકના બેલગાવી જિલ્લામાં નંદી પર્વત પર આવેલા એક આશ્રમમાં ૭૮ વર્ષના દિગંબર જૈનાચાર્ય શ્રી કામકુમાર નંદી તેમની સાધના કરતા હતા.  બુધવાર, પાંચમી જુલાઈએ તેમના આશ્રમમાંથી જ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. આચાર્ય શ્રી કામકુમાર નંદી ટ્રસ્ટના ડિરેક્ટર ભીમપ્પા ઉગરેએ તેમના ગુમ થયાની ફરિયાદ ગુરુવારે પોલીસમાં કરી હતી.
 
મુનિ પૈસા ઉધાર આપતા હતા?
પોલીસે જણાવ્યું હતું કે ‘શંકાસ્પદ હત્યારાઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે જૈનાચાર્ય કામકુમાર નંદી મહારાજ પૈસા ઉધાર આપતા હતા. શકમંદોએ તેમની પાસેથી ઉછીના પૈસા લીધા હતા. આથી પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે પૈસાના મુદ્દે જૈન સાધુની હત્યા કરવામાં આવી હતી.’


ગુનાની કબૂલાત, પણ મૃતદેહ લાપતા
પોલીસે અટકાયતમાં લીધેલા બંને આરોપીઓની કડક પૂછપરછ પછી તેમણે કથિત રીતે ગુનાની કબૂલાત કરી હતી. આ આરોપીઓએ પોલીસને કહ્યું હતું કે તેમણે પૈસાની લેવડદેવડના મામલામાં જૈનાચાર્યની હત્યા કરી છે. હત્યા પછી તેમણે બેલગાવી જિલ્લાના રાયબાગ તાલુકાના કટકાભવી ગામમાં ખેતરમાં આવેલી ટ્યુબવેલમાં મૃતદેહના ટુકડા કરીને નાખ્યા હતા અને એનો નિકાલ કર્યો હતો. તેમની કબૂલાતના આધારે પોલીસે ટ્યુબવેલમાં જૈનાચાર્યના મૃતદેહને શોધવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર પછી આરોપીઓ તેમનું નિવેદન બદલીને કહ્યું હતું કે તેમણે જૈનાચાર્યના મૃતદેહને કપડામાં લપેટીને એનો નદીમાં નિકાલ કર્યો હતો. જોકે આખરે ગઈ કાલે તેમના મૃતદેહના ટુકડા બોરવેલમાંથી મળ્યા હતા.

જીવન વિશેની માહિતી
જૈનાચાર્ય કામકુમાર નંદી મહારાજસાહેબ નાનપણમાં ભ્રમપ્પા તરીકે ઓળખાતા હતા. તેમનો જન્મ કર્ણાટકના બેલગામ જિલ્લામાં ૬ જૂન ૧૯૬૭માં થયો હતો. શ્રી કામકુમાર નંદી મહારાજસાહેબ ગણધારાચાર્ય કુંથુનાથજી મહારાજસાહેબના શિષ્ય હતા. તેમણે આચાર્યની પદવી આપવામાં આવી હતી. તેઓ ૧૫ વર્ષથી કર્ણાટકના ચિકોડી જિલ્લામાં આવેલા નંદપર્વત પરના એક જૈન આશ્રમમાં રહીને સાધના કરતા હતા. 

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2023 09:28 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK