ઉંદર મારવાની દવા પી ગયેલા દોસ્તને બચાવવા મિત્રો જુદી-જુદી હૉસ્પિટલોમાં ૬ કલાક સુધી ફર્યા, પણ બચાવી ન શક્યા. મલાડના કચ્છી યુવાને પરિવારના આંતરિક વિવાદને લઈને કરી આત્મહત્યા
યમિત ધરોડ
મલાડ-ઈસ્ટના ૪૬ વર્ષના યમિત ધરોડે મંગળવારે રાતના ૧૧ વાગ્યાની આસપાસ ઘરની બહાર જઈને મલાડના એક ટાવરની સામે ઉંદર મારવાની દવા પીને આત્મહત્યા કરતાં ધરોડ પરિવાર શોકગ્રસ્ત બની ગયો હતો. મળેલી માહિતી પ્રમાણે યમિતે દવા પીધા પછી તેના ફ્રેન્ડને આ બાબતની માહિતી આપી હતી. જોકે તેઓ યમિતને બચાવી શક્યા નહોતા.
મૂળ કચ્છના મોખા ગામના ધરોડ પરિવારના એક સંબંધીએ યમિતની આત્મહત્યા તેના પરિવારના આંતરિક વિવાદને લીધે થઈ હોવાની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યમિત તેનાં માતા-પિતા સાથે બે વર્ષ પહેલાં મલાડમાં રહેવા આવ્યો હતો. મંગળવારે રાતના ૧૦.૩૦ વાગ્યે તે બહારથી ઘરે આવ્યા પછી તરત જ ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો હતો. ત્યાર પછી તેણે ઘરની નજીકમાં આવેલા એક ટાવર સામે જઈને ઉંદર મારવાની દવા પી લીધી હતી. મિત્રો દોડીને તેને બચાવવા ઘટનાસ્થળે ગયા હતા અને યમિતના પરિવારને આ બનાવની જાણકારી આપી હતી. ત્યાર પછી તેઓ તેને લઈને અલગ-અલગ હૉસ્પિટલમાં ૬ કલાક સુધી ફર્યા હતા, પણ યમિતને બચાવી શક્યા નહોતા.’
ADVERTISEMENT
દિંડોશી પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને યમિતે ઉંદર મારવાની દવા પીને આત્મહત્યા કરી હોવાની માહિતી મળી હતી, પરંતુ તેનો પરિવાર શોકમાં હોવાથી હજી સુધી તેની આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. અમે અકસ્માતનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.’
