વધુ તપાસ કરવામાં આવતાં મોટા ભાગના પ્લાન્ટ ગેરકાયદે હોવાની માહિતી મળી હતી. અંતે તમામને તાત્કાલિક બંધ કરવાની નોટિસ આપીને ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
પ્રદૂષણના નિયમોનું યોગ્ય પાલન ન કરવા ઉપરાંત નાયગાવના સસુનવઘર અને માલજીપાડા વિસ્તારમાં ગેરકાયદે રેડી મિક્સ કૉન્ક્રીટ (RMC)ના પ્લાન્ટ ચલાવતા ૨૮ RMC પ્લાન્ટમાલિકો સામે તલાટી સુશીલ મોરાળેએ ગઈ કાલે નાયગાવ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ૨૫ એપ્રિલે સસુનવઘર અને માલજીપાડામાં સરપ્રાઇઝ વિઝિટ લેવામાં આવી એ દરમ્યાન મોટા ભાગના ગુજરાતી RMC પ્લાન્ટધારકો નિયમોનું પાલન કરતા ન હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસ કરવામાં આવતાં મોટા ભાગના પ્લાન્ટ ગેરકાયદે હોવાની માહિતી મળી હતી. અંતે તમામને તાત્કાલિક બંધ કરવાની નોટિસ આપીને ફરિયાદ નોંધવામાં આવી છે.
નાયગાવ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિજય કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કલેક્ટરના આદેશ બાદ તલાટીએ સસુનવઘર અને માલજીપાડામાં સરપ્રાઇઝ તપાસ હાથ ધરી હતી જેમાં મોટા ભાગના RMC પ્લાન્ટચાલકો ગેરકાયદે હોવાની માહિતી મળી હતી એટલું જ નહીં, એ તમામ RMC પ્લાન્ટ મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવતા હોવાનું જોઈને ૨૮ RMC પ્લાન્ટચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં તમામ RMC પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

