દીકરાની થેરપી વિશે પૂછપરછ કરવા નીકળી હતી: ચાલુ ટ્રેનમાંથી પડી ગઈ હોવાની પોલીસને શંકા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભાઈંદરના નવઘર રોડ પર આવેલા શ્રીપાલનગરમાં સિદ્ધિવિનાયક હૉસ્પિટલ નજીક રહેતી ૨૭ વર્ષની કોમલ પરમારની ડેડ-બૉડી મંગળવારે સવારે બોરીવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ને દહિસર અને મીરા રોડ સ્ટેશનની વચ્ચેથી મળી હતી. આ મામલે બોરીવલી GRPએ પ્રાથમિક માહિતી અનુસાર આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી છે. કોમલ મંગળવારે વહેલી સવારે પોતાના પુત્રના ઇલાજ માટે થેરપી વિશે પૂછપરછ કરવા ઘરેથી નીકળી હતી. દરમ્યાન એકાએક તેની ડેડ-બૉડી રેલવે-ટ્રૅક પરથી મળી આવતાં તેના મૃત્યુ વિશે શંકાના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
બોરીવલી GRPના પોલીસ-ઇન્સ્પેક્ટર વિક્રમ અડકેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સવારે સાડાસાત વાગ્યાની આસપાસ મીરા રોડ અને દહિસર સ્ટેશનની વચ્ચે એક મહિલાની ડેડ-બૉડી પડી હોવાની જાણકારી અમને મળી હતી. તાત્કાલિક અમારી ટીમ સ્ટ્રેચર સહિત તમામ સામગ્રી લઈને ઘટનાસ્થળે ગઈ હતી અને મહિલાને શતાબ્દી હૉસ્પિટલમાં ઇલાજ માટે લઈ ગઈ હતી. જોકે ત્યાં હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મહિલાના માથા અને શરીરના બીજા ભાગોમાં માર લાગ્યો હોવાથી તેનું મૃત્યુ થયું હોવાની માહિતી ડૉક્ટરે આપી હતી. પાછળથી તપાસ કરતાં મહિલા પાસે રહેલી બૅગમાંથી મળેલા દસ્તાવેજોના આધારે તેની ઓળખ કોમલ કિરણ પરમાર તરીકે થઈ હતી. અમે તેના મોબાઇલના માધ્યમથી તેના પતિને આ ઘટનાની જાણ કરીને ડેડ-બૉડીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપી હતી. તેના પતિનું સ્ટેટમેન્ટ લેતાં તેણે જણાવ્યું હતું કે મંગળવારે સવારે સાડાછ વાગ્યાની આસપાસ કોમલ ઘરેથી તેમના પુત્રના ઇલાજ માટે થેરપીની પૂછપરછ કરવા નીકળી હતી. આ કેસમાં અમે પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. બીજી બાજુ આ મહિલા ચાલતી ટ્રેનમાંથી પડી હોય એવી પણ શક્યતા છે. જોકે કઈ રીતે તેનું મૃત્યુ થયું એની તપાસ કરવામાં આવી રહી છે.’


