Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



રૂલ અપના અપના

24 May, 2023 08:45 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

૨,૦૦૦ રૂપિયાની નોટ બદલવાના પહેલા દિવસે બૅન્કોની મનમાની ચાલી રહી હતી : અમુક બૅન્કોએ પુરાવા તરીકે ઓળખ કાર્ડ આપવાની માગ કરી તો અમુકે નોટો બદલવાની ના પાડીને તેમના ખાતામાં જમા કરાવવા કહ્યું

વિલે પાર્લે-ઈસ્ટમાં આવેલા હનુમાન રોડ પરની આઇસીઆઇસીઆઇ બૅન્કમાં ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલાવી રહેલા લોકો (તસવીર : ઐશ્વર્યા દેવધર)

વિલે પાર્લે-ઈસ્ટમાં આવેલા હનુમાન રોડ પરની આઇસીઆઇસીઆઇ બૅન્કમાં ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલાવી રહેલા લોકો (તસવીર : ઐશ્વર્યા દેવધર)


રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ શુક્રવારે જાહેરાત કરી હતી કે એ ૨,૦૦૦ રૂપિયાની નોટ પાછી ખેંચી લેશે. ગઈ કાલે ૨,૦૦૦ રૂપિયાની નોટો બદલવાનો અને બૅન્કમાં ડિપોઝિટ કરવાનો પ્રથમ દિવસ હતો. જોકે પ્રથમ દિવસે જ ગ્રાહકોને પ્રથમ ગ્રાસે મ‌‌​િક્ષકા જેવો અનુભવ થયો હતો. મોટા ભાગની બૅન્કોએ ગ્રાહકો પાસે નોટ બદલવા માટે પૅન કાર્ડ અથવા આધાર કાર્ડ આપવાની અને સત્તાવાર ફૉર્મ ભરવાની આવશ્યકતા પર ભાર મૂકીને ગ્રાહકો માટે મૂંઝવણ ઊભી કરી હતી. કેટલાક ગ્રાહકોએ એવી ફરિયાદ કરી હતી કે બૅન્કોએ તેમની પાસેથી પુરાવા તરીકે ઓળખ કાર્ડ સબમિટ કરવાની પણ માગ કરી હતી જે બૅન્કોમાં સુસંગત નીતિનો અભાવ સૂચવે છે. ઘણી બૅન્કોએ કથિત રીતે નોટો બદલવાની સંપૂર્ણ ના પાડી દીધી હતી અને એને બદલે લોકોને ૨,૦૦૦ રૂપિયાની નોટો તેમના ખાતામાં જમા કરાવવાનું કહ્યું હતું.

શુક્રવારની જાહેરાત પ્રમાણે લોકોને ૨,૦૦૦ રૂપિયાની નોટો ૩૦ સપ્ટેમ્બર સુધીમાં જમા કરાવવા અથવા બદલવા માટે કહેવામાં આવ્યું છે. આરબીઆઇની જાહેરાત પ્રમાણે સપ્ટેમ્બરમાં નિર્ધારિત સમયમર્યાદા પછી પણ દેશમાં ૨,૦૦૦ રૂપિયાની નોટ કાનૂની ટેન્ડર રહેશે.



ભારતની સૌથી મોટી જાહેર બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ એની શાખાઓને એક સત્તાવાર મેમો મોકલીને સ્પષ્ટતા કરી હતી કે ૨,૦૦૦ રૂપિયાની નોટો બદલતી વખતે અથવા જમા કરતી વખતે કોઈ ફૉર્મ અથવા સ્લિપ ભરવાની જરૂર રહેશે નહીં. જોકે લાકોને અલગ જ અનુભવ થયો હતો. લોકો કહે છે કે કોઈ જગ્યાએ ગભરાટનો માહોલ નથી, પણ બધી જ બૅન્કોમાં ડૉક્યુમેન્ટ તો માગવામાં આવે જ છે.


ઘાટકોપરના કેમિકલની દલાલી કરતા પીયૂષ દાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પાસે ઘરમાં ૨,૦૦૦ રૂપિયાની બે નોટ હતી. મારું અકાઉન્ટ ઘણાં વર્ષોથી ઘાટકોપર-વેસ્ટના મહાત્મા ગાંધી રોડ પર આવેલી એસવીસી કો-ઑપરેટિવ બૅન્કમાં છે. હું મારી બૅન્કમાં નોટો બદલવા ગયો ત્યારે ત્યાં કોઈ જ પ્રકારની લાઇન નહોતી કે નોટો બદલવા માટે પૅનિક વાતાવરણ નહોતું. મેં કૅશ કાઉન્ટર પર જઈને ૨,૦૦૦ રૂપિયાની બે નોટના છૂટા માગ્યા હતા જેનો કૅશિયરે ઇનકાર કર્યો હતો. તેણે કહ્યું કે જો તમારે નોટો બદલવી હોય તો તમારું પૅન કાર્ડ, આધાર કાર્ડ અને કેવાયસી લાગશે. નહીંતર તમે તમારી પાસે હોય એટલી નોટો કોઈ પણ પ્રકારના પ્રૂફ વગર તમારા ખાતામાં જમા કરી શકો છો. મેં કહ્યું કે રિઝર્વ બૅન્કની માર્ગદર્શિકા પ્રમાણે તો ૨,૦૦૦ની દસ નોટ સુધી મારે કોઈ પ્રૂફ આપવાની જરૂર નથી. જોકે મારી વાત તેણે સ્વીકારી નહોતી. બૅન્કના અસિસ્ટન્ટ મૅનૅજરે પણ મને એ જ સલાહ આપી હતી. એટલે નાછૂટકે મેં મારી પાસે રહેલી ૨,૦૦૦ની બે નોટો મારા બૅન્ક-ખાતામાં જમા કરી દીધી હતી.’

અમને મળેલી રિઝર્વ બૅન્કની માર્ગદર્શિકા પ્રમાણે જો કોઈ પણ ગ્રાહકે તેની પાસે રહેલી ૨,૦૦૦ની એક નોટ પણ બદલવી હોય તો તેણે બૅન્કમાં રાખેલું ફૉર્મ ભરીને એની સાથે પૅન કાર્ડ અને આધાર કાર્ડ નંબર આપવા ફરજિયાત છે એમ જણાવીને ઘાટકોપર-વેસ્ટની એસવીસી કો-ઑપરેટિવ બૅન્કનાં અસિસ્ટન્ટ મૅનૅજર સાનિકા આપ્ટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને જે ઇન્ટરનલ મેમો મળ્યો છે એમાં કહેવામાં આવ્યું છે કે જો નોટો બદલવાની હોય તો ગ્રાહકે પૅન કાર્ડ, આધાર કાર્ડ અને આઇડી પ્રૂફ સબમિટ કરવું ફરજિયાત છે. અમે એ પ્રમાણે અમારા ગ્રાહકો અને જે ગ્રાહકો નથી તેમની પાસેથી દસ્તાવેજો સાથે ફૉર્મ ભરાવીને લઈ રહ્યા છીએ. આમાં કોઈ પણ પ્રકારનો સત્તાવાર બદલાવ આવશે તો અમે એ મુજબ નોટ બદલવાની પ્રક્રિયા કરીશું.’


કોઈ જગ્યાએ ગભરાટનો માહોલ નથી. જો બૅન્કમાં અકાઉન્ટ ન હોય તો એક નાની સ્લિપમાં નામ, મોબાઇલ નંબર અને આઇડી પ્રૂફનો નંબર લખીને ૨૦,૦૦૦ રૂપિયા સુધી એટલે કે ૨,૦૦૦ રૂપિયાની ૧૦ નોટો સરળતાથી બદલી આપે છે. એકદમ સામાન્ય માહોલ છે અને લાઇન પણ નહોતી. આ માહિતી આપતાં બોરીવલી-ઈસ્ટના દૌલતનગરના બિઝનેસમૅન સુનીલ કામદારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે નોટ બદલવાનો પહેલો દિવસ હતો. મારી પાસે ૨,૦૦૦ રૂપિયાની ૧૫ નોટ હતી. આ નોટો બદલવા માટે પહેલાં તો હું બોરીવલી-ઇસ્ટની બૅન્ક ઑફ બરોડામાં ગયો હતો. ત્યાં એકદમ શાંતિનો માહોલ હતો. મને એમ કે ૨૦૧૬ની જેમ બૅન્કમાં અફરાતફરીનો માહોલ હશે, પણ એવું કશું જ નહોતું. બૅન્કમાં પ્રવેશતાં જ વૉચમૅને મને કહ્યું કે તમારું આ બૅન્કમાં અકાઉન્ટ ન હોય તો એક સ્લિપમાં તમારું નામ, મોબાઇલ નંબર, તમારી પાસે જે આઇડી પ્રૂફ હોય એનો નંબર લખીને આપવાથી તરત જ તમને ૨૦,૦૦૦ રૂપિયાની સુધીની નોટો બદલી આપવામાં આવશે. આ પ્રક્રિયા કરીને મેં મારી પાસે રહેલી ૨,૦૦૦ રૂપિયાની ૧૦ નોટ બદલી લીધી હતી.’

સુનીલ કામદારે વધુમાં કહ્યું હતું કે ‘ત્યાર પછી હું બોરીવલી-ઈસ્ટની પંજાબ નૅશનલ બૅન્કમાં બાકીની મારી પાસે રહેલી ૨,૦૦૦ રૂપિયાની પાંચ નોટ બદલવા ગયો હતો. ત્યાં સામાન્ય દિવસોની જેમ જ મારી આગળ લાઇનમાં દસેક જણ ઊભા હતા. આ બૅન્કના મૅનૅજરે કહ્યું કે અમને રિઝર્વ બૅન્કની જે ગાઇડલાઇન મળી છે એ અનુસાર અમારી બૅન્કમાં અકાઉન્ટ ન હોય તો પણ અમે કોઈ પણ જાતની પૂછપરછ વગર ૨૦,૦૦૦ રૂપિયા સુધીની ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલી આપીએ છીએ. મારી નજર સામે જ ઘણા લોકોએ ૫૦,૦૦૦ રૂપિયા સુધીની ૨,૦૦૦ રૂપિયાની નોટો પણ તેમના ખાતામાં ભરી હતી. મારા આશ્ચર્ય વચ્ચે કોઈ પણ જાતના ગભરાટ કે મૂંઝવણ વગર આ બૅન્કમાં ૨,૦૦૦ રૂપિયાની નોટો બદલવામાં આવી રહી હતી.’

૨,૦૦૦ રૂપિયાની નોટ બદલવા માટે બૅન્કમાં ગ્રાહકોએ કોઈ જ માહિતી આપવી નહીં પડે એવી જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ગઈ કાલે વાસ્તવિકતા અલગ જ જોવા મળી હતી એમ જણાવીને મસ્જિદ બંદરના ડ્રાયફ્રૂટ્સના વેપારી અને મુંબઈ મેવા મસાલા મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રમુખ યોગેશ ગણાત્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે મેં મારા કર્મચારીને મસ્જિદ બંદરની અરિહંત કો-ઑપરેટિવ બૅન્ક, ઇન્ડિયન ઓવરસિસ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા અને કૅનેરા બૅન્કમાં મીડિયામાં જણાવવામાં આવ્યા પ્રમાણે ૨,૦૦૦ની ચલણી નોટ લઈને ૨૦,૦૦૦ રૂપિયા બદલવા મોકલ્યો હતો. જોકે મારા આશ્ચર્ય વચ્ચે આ બધી જ બૅન્કોએ મારા કર્મચારી પાસે ફૉર્મ ભરાવીને આઇડી પ્રૂફની ડિમાન્ડ કરી હતી. આ પ્રોસેસ મારા કર્મચારીએ કરીને નોટો બદલી હતી.’

આ બધાથી વિપરીત અનુભવ વિરારના બિઝનેસમૅન દિનેશ કોઠારીને થયો હતો. તેમણે તેમનો અનુભવ જણાવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે હું વિરાર-વેસ્ટમાં સ્ટેશન પાસે આવેલી વસઈ વિકાસ સહકારી બૅન્કમાં એટીએમમાં રૂપિયા કઢાવવા ગયો હતો. મને એટીએમમાંથી ૨,૦૦૦ રૂપિયાની એક નોટ મળી હતી. એ જ સમયે મારું ધ્યાન મશીન પર મૂકવામાં આવેલા હાથેથી લખેલા એક કાર્ડ પર ગયું જેમાં લખ્યું હતું કે આ મશીનમાંથી રૂપિયા નીકળશે નહીં. એને બદલે મારે તો રૂપિયા નીકળ્યા એમાં ૨,૦૦૦ રૂપિયાની નોટ પણ હતી. તરત જ કૅશ કાઉન્ટર પર જઈને મેં કૅશિયરને ૨,૦૦૦ રૂપિયાની નોટને બદલે છૂટા આપવા કહ્યું હતું. મેં એની સામે પ૦૦ રૂપિયાની નોટ માગી હતી. કૅશિયર કહે કે તમારું આ બૅન્કમાં અકાઉન્ટ છે? મેં હા કહી એટલે તેણે મને ફૉર્મ આપીને કહ્યું કે આ ભરી આપો. આથી હું તરત જ બૅન્કના મૅનેજર પાસે ગયો તો તેમણે કહ્યું કે ફૉર્મ ભરવું ફરજિયાત નથી, તમે નોટ બદલી કરી શકો છો. ત્યાર પછી મને કૅશિયરે ૨,૦૦૦ રૂપિયાની નોટ ફૉર્મ ભર્યા વગર બદલી આપી. આ આખી પ્રક્રિયામાં મારી લગભગ ૨૦થી ૨૫ મિનિટ બગડી હતી. મારી જેમ બીજા અનેક ગ્રાહકો એટીએમની ફરિયાદ લઈને આવ્યા હતા કે તમારા એટીએમ મશીનમાં ૨,૦૦૦ રૂપિયાની નોટો કેમ નીકળે છે? સૌની એક જ વાત હતી કે રિઝર્વ બૅન્કે આ નોટ સર્ક્યુલેશનમાં બંધ કરવાની જાહેરાત કરી છે તો પછી બૅન્કના જ એટીએમમાંથી ૨,૦૦૦ રૂપિયાની નોટ કેમ નીકળે છે? મશીનમાંથી ૨,૦૦૦ રૂપિયાની નોટ નીકળે એટલે પાછી એને બદલવાની ઝંઝટ અને લાંબી પ્રક્રિયા, જેનાથી લોકો હેરાન થઈ રહ્યા છે. લોકો ૨,૦૦૦ રૂપિયાની નોટો બદલવા દોડાદોડી કરી રહ્યા છે ત્યારે એટીએમ મશીનમાંથી ૨,૦૦૦ની નોટો નીકળે છે કેમ?’  

બૅન્કના મૅનેજરે કહ્યું કે અમને રિઝર્વ બૅન્કની જે ગાઇડલાઇન મળી છે એ અનુસાર અમારી બૅન્કમાં અકાઉન્ટ ન હોય તો પણ અમે કોઈ પણ જાતની પૂછપરછ વગર ૨૦,૦૦૦ રૂપિયા સુધીની ૨,૦૦૦ રૂપિયાની નોટ બદલી આપીએ છીએ. : સુનીલ કામદાર, બોરીવલીના બિઝનેસમૅન 

 મારા કર્મચારીને ૨,૦૦૦ની ચલણી નોટ લઈને ૨૦,૦૦૦ રૂપિયા બદલવા મોકલ્યો હતો. બૅન્કોએ મારા કર્મચારી પાસે ફૉર્મ ભરાવીને આઇડી પ્રૂફની ડિમાન્ડ કરી હતી. આ પ્રોસેસ કરીને કર્મચારીએ નોટો બદલી હતી. : યોગેશ ગણાત્રા, મસ્જિદ બંદરના ડ્રાયફ્રૂટ્સના વેપારી 

આ બાબતની સ્પષ્ટતા કરવા ‘મિડ-ડે’એ બૅન્કમાં સતત એક કલાક સુધી ફોન લગાડવાની કોશિશ કરી હતી, પણ ફોન બિઝી મળતો હતો.

 

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2023 08:45 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK