ઉત્તર પ્રદેશની ૧૮ વર્ષની કિશોરીને પ્રેમમાં ફસાવીને મુંબઈમાં ૪૦,૦૦૦ રૂપિયામાં વેચવા માટે લાવવામાં આવી હતી : જોકે તેની સજાગતાથી પોલીસ કિશોરીને બચાવવામાં સફળ રહી

મુંબઈ વેચવા માટે લવાયેલી ૧૮ વર્ષની કિશોરી
દેશમાં ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મને હાલ ચર્ચામાં છે ત્યારે એમાં બતાવવામાં આવી છે એવી જ કાર્યપદ્ધતિ વાપરીને ૧૮ વર્ષની એક કિશોરીને મુંબઈમાં કૂટણખાનામાં વેચવાની કોશિશ કરી રહેલા તેના કથિત પ્રેમીને પોલીસે એક રિક્ષા-ડ્રાઇવરની સજાગતાથી બચાવી લીધી હતી. ઉત્તર પ્રદેશમાં રહેતી ૧૮ વર્ષની આ કિશોરીને પ્રેમની જાળમાં ફસાવીને એક યુવાન મુંબઈ લઈ આવ્યો હતો. બાદમાં તે રેલવે-સ્ટેશનની બહાર આવીને રિક્ષા-ડ્રાઇવર પાસે રેડ લાઇટ એરિયા બાબતે વાતો કરતો હતો. રિક્ષા-ડ્રાઇવરે તરત જ ચતુરાઈથી મુંબઈ પોલીસને ફોન કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે જઈને યુવતીને બચાવી લીધી હતી તેમ જ પ્રેમમાં ફસાવનાર યુવક અને તેની પત્નીની ધરપકડ કરી છે.
ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં ખાલીસપુર ગામમાં રહેતી ૧૮ વર્ષની હેતલ (નામ બદલ્યું છે)ની બાજુના ગામ ભરવનાથમાં રહેતા ૨૧ વર્ષના અમન સૂર્યભાણ શર્મા નામના યુવક સાથે ગયા ફેબ્રુઆરીમાં મુલાકાત થઈ હતી. તેણે હેતલનો વિશ્વાસ જીતીને તેની સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ તેણે હેતલને કહ્યું હતું કે આપણે ગામમાં લગ્ન નહીં કરીએ, મુંબઈ જઈને લગ્ન કરીશું. આવો વાયદો આપીને ૧૯ મેએ હેતલને ઘરેથી ભગાડી બનારસ રેલવે-સ્ટેશન પરથી મુંબઈ આવવા માટે પવન એક્સપ્રેસ ટ્રેનમાં તેઓ ચડ્યાં હતાં. દરમિયાન થોડી વારમાં તેમની નજીક આંચલ શર્મા નામની મહિલા આવી હતી, જેની ઓળખ અમને પોતાની ભાભી કહીને કરાવી હતી. તે મહિલા પાસે આઠ મહિનાનું બાળક હતું, જે તેના ભાઈનું હોવાનું કહ્યું હતું. ગઈ કાલે સવારે ચાર વાગ્યે લોકમાન્ય ટિળક ટર્મિનલ પર ટ્રેન આવ્યા બાદ તેઓ સ્ટેશનની બહાર આવ્યાં હતાં. ત્યારે બંને મહિલાઓને એકસાથે ઊભી રાખીને અમન દૂર જઈ રિક્ષાવાળા સાથે વાત કરવા લાગ્યો હતો. થોડી જ વારમાં ત્યાં ટિળકનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ આવ્યા હતા, જેઓ તમામને પોલીસ-સ્ટેશન લઈ ગયા હતા.
ટિળકનગર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્યાં હાજર રિક્ષા-ડ્રાઇવરે અમને ફોન કરીને કહ્યું કે એક યુવાને તેની પાસે આવીને મુંબઈના રેડ લાઇટ એરિયા વિશેની માહિતી માગી હતી અને તેની સાથે હાજર એક કિશોરીને ૪૦,૦૦૦ રૂપિયામાં વેચવી હોવાનું કહ્યું હતું. ચાલાક રિક્ષા-ડ્રાઇવરે તરત જ અમને આની જાણ કરી હતી. આથી અમારો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. આરોપી ૧૮ વર્ષની કિશોરીને લગ્ન કરીશું એમ કહીને મુંબઈ લાવ્યો હતો. તેની સાથે તેની પત્ની હતી, પણ તેની ઓળખ પોતાની ભાભી તરીકે આપી હતી. આ કેસમાં અમે આંચલ શર્મા અને તેના પતિ અમન શર્માની ધરપકડ કરી છે. આ પહેલાં પણ તેણે આવું કંઈ કર્યું છે કે નહીં એની તપાસ કરવામાં આવી રહી છે.’