બ્રિજને ટૂંક સમયમાં ખુલ્લો મૂકવાનું પ્લાનિંગ, રેલવેની મંજૂરીની રાહ
નવા બનેલા બેલાસિસ બ્રિજની ઝલક.
તાડદેવ, નાગપાડા અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનને જોડતા બેલાસિસ ફ્લાયઓવરના અંતિમ ફેઝનું કામ રેકૉર્ડ સમયમાં એટલે કે ૧૫ મહિના ૬ દિવસમાં પૂર્ણ થયું છે. બીજા પુલના કામની સમયમર્યાદા લંબાતી જાય છે ત્યારે આ પુલના કામની ડેડલાઇનને હજી ૪ મહિના બાકી છે. બેલાસિસ પુલના નિર્માણ માટેનો વર્ક ઑર્ડર ૨૦૨૪ના સપ્ટેમ્બર મહિનામાં આપવામાં આવ્યો હતો અને પહેલી ઑક્ટોબરે કામ શરૂ થયું હતું. રેલવે ટ્રૅક પરનું કામ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે ગર્ડર બ્રેકિંગ, પુલની ડેક શીટ, સ્લૅબ કાસ્ટિંગ અને બન્ને અપ્રોચ રોડનું કામ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું.
બેલાસિસ પુલની કુલ લંબાઈ ૩૩૩ મીટર છે. આમાંથી ૧૩૮.૩૯ મીટર ઈસ્ટ અને ૧૫૭.૩૯ મીટર વેસ્ટમાં છે, જ્યારે ૩૬.૯૦ મીટર રેલવેની હદમાં છે. આ પુલ પર ૭ મીટર લંબાઈનો કૅરેજ વે છે. બેલાસિસ બ્રિજ મુંબઈ સેન્ટ્રલ, નાગપાડા અને તાડદેવને જોડતો એક મહત્ત્વપૂર્ણ ઈસ્ટ-વેસ્ટ રેલ લિન્ક બ્રિજ છે. બેલાસિસ બ્રિજ જહાંગીર બોમન બહેરામ માર્ગ (અગાઉ બેલાસિસ રોડ), દાદાસાહેબ ભડકમકર માર્ગ (ગ્રાન્ટ રોડ), પટ્ટે બાપુરાવ માર્ગ અને મહાલક્ષ્મી સ્ટેશન બ્રિજ પર ભીડ ઘટાડવામાં મદદ કરશે. બ્રિજ માટે લોડ ટેસ્ટ, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ, સેફ્ટી સર્ટિફિકેટ મેળવવામાં આવ્યાં છે. રેલવે વિભાગ તરફથી પુલ શરૂ કરવા માટે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળ્યા પછી પુલ ટૂંક સમયમાં જ ખુલ્લો મૂકવામાં આવશે.


