બૉમ્બે હાઈ કોર્ટની સ્પષ્ટતા : સાથે રહેવા છતાં, સંયુક્ત પ્રૉપર્ટી ખરીદવા છતાં અને બાળક હોવા છતાં આવા સંબંધ લગ્નનો દરજ્જો મેળવી શકતા નથી
બૉમ્બે હાઈ કોર્ટ
બૉમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં લગ્નેતર સંબંધ બાબતે અગત્યનો ચુકાદો આપતાં નોંધ્યું હતું કે મહિલા જાણીજોઈને પરિણીત પુરુષ સાથે સંબંધ બનાવે તો પ્રોટેક્શન ઑફ વિમેન ફ્રૉમ ડોમેસ્ટિક વાયલન્સ (DV) ઍક્ટ, ૨૦૦૫ હેઠળ રાહત મેળવવા માટે હકદાર નથી.
ન્યાયાધીશ મંજુષા દેશપાંડેની સિંગલ જજની બેન્ચે કહ્યું હતું કે ‘આવા સંબંધનું સ્વરૂપ લગ્ન સમાન હોતું નથી એટલે કે આવા સંબંધો લગ્ન તરીકે ઓળખાતા નથી. આવા કિસ્સાઓમાં ભરણપોષણ અથવા નાણાકીય રાહત આપવાથી પુરુષની કાયદેસરની પરિણીત પત્ની અને બાળકો પર પ્રતિકૂળ અસર પડશે.’
ADVERTISEMENT
અરજદાર મહિલાએ દાવો કર્યો હતો કે તે તેના પરિણીત કૉલેજ પ્રોફેસર સાથે રિલેશનશિપમાં હતી. પ્રોફેસરે ૨૦૦૧થી તેની સાથે જાતીય સંબંધો માટે દબાણ કર્યું હતું. બન્નેએ ૨૦૦૫માં લગ્ન કર્યાં હતાં, પણ ત્યારે પ્રોફેસરનાં પહેલાં લગ્ન કાયદેસર રીતે માન્ય હતાં.
મહિલાના મતે પુરુષે ખોટો દાવો કરીને તેની સહાનુભૂતિ મેળવી હતી કે તેની પત્ની માનસિક રીતે બીમાર છે અને છૂટાછેડાની કાર્યવાહી ચાલી રહી છે. મહિલા અને પ્રોફેસર પતિ-પત્ની તરીકે થોડા સમય માટે સાથે રહ્યાં હતાં, સંયુક્ત રીતે પ્રૉપર્ટી પણ ખરીદી હતી અને ૨૦૦૮માં મહિલાએ તેણે એક બાળકને પણ જન્મ આપ્યો હતો.
ત્યાર બાદ તેમના સંબંધોમાં ખટાશ આવતાં મહિલાએ પુણેની મૅજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી, જેમાં ભારતીય દંડ સંહિતા અને DV કાયદાની જોગવાઈઓનો ઉપયોગ કરવામાં આવ્યો. માર્ચ ૨૦૧૫માં કોર્ટે પ્રોફેસરને મહિલાને દર મહિને ૨૮,૦૦૦ રૂપિયા ભરણપોષણ તરીકે અને પાંચ લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જોકે ૨૦૧૬માં પુણે સેશન્સ કોર્ટે આ આદેશને રદ કર્યો તેથી મહિલાએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
અરજી ફગાવી દેતાં કોર્ટે ઠરાવ્યું કે આ સંબંધ કોઈ કાનૂની પવિત્રતા ધરાવતો નથી, કારણ કે સ્ત્રી પહેલેથી જ જાણતી હતી કે પુરુષ પરિણીત છે. ફક્ત સંયુક્ત મિલકત ખરીદવાથી અથવા સાથે થોડા દિવસો વિતાવવાથી આવા સંબંધ લગ્ન તરીકેનો દરજો મેળવતા નથી તેથી DV ઍક્ટ હેઠળના લાભ મળી શકે નહીં.`


