છેલ્લા કેટલાક દિવસથી સવારના સમયે ગુલાબી ઠંડી સાથે મુંબઈ પર ધુમ્મસ (સ્મૉગ)ની ચાદર છવાયેલી રહી છે જેના કારણે મુંબઈની સ્કાયલાઇન ધૂંધળી દેખાય છે.
તસવીરઃ શાદાબ ખાન
સામાન્યપણે મુંબઈમાં ઉતરાણ પછી ધીમે-ધીમે ગરમીનો પારો વધતો જાય છે. જોકે આ વખતે હજી પણ મુંબઈમાં ઠંડી પડી રહી છે. સોમવારે જ મુંબઈમાં મિનિમમ તાપમન ૧૬ ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાએ કહ્યું છે કે હજી ૨૬ જાન્યુઆરી સુધી સવારના સમયે ઠંડીનો ચમકારો જોવા મળશે. ગઈ કાલે મિનિમમ ૧૮.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે આવનારા ચાર-પાંચ દિવસમાં હજી બે ડિગ્રી પારો નીચે જઈ શકે એવી શક્યતાઓ હવામાન ખાતાએ દર્શાવી છે. છેલ્લા કેટલાક દિવસથી સવારના સમયે ગુલાબી ઠંડી સાથે મુંબઈ પર ધુમ્મસ (સ્મૉગ)ની ચાદર છવાયેલી રહી છે જેના કારણે મુંબઈની સ્કાયલાઇન ધૂંધળી દેખાય છે.
માઘી ગણપતિની ૬ ફુટ સુધીની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવાની અપીલ
ADVERTISEMENT
આવતી કાલથી શરૂ થતાં માઘી ગણેશોત્સવ દરમ્યાન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ગણેશોત્સવ મંડળો માટે ઑફલાઇન મોડ દ્વારા કામચલાઉ મંડપ બાંધકામ પરવાનગી માટે સિંગલ-વિન્ડો યોજના શરૂ કરી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (MPCB) દ્વારા જાહેર કરાયેલી સ્ટૅન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) મુજબ ૬ ફુટ સુધીની મૂર્તિઓને કૃત્રિમ તળાવોમાં પધરાવવાની રહેશે. SOP મુજબ રંગીન કેમિકલ્સ, થર્મોકૉલ, પ્લાસ્ટિક, કાપડ, ફૂલો, માળા, સુશોભન સામગ્રી વગેરેને પાણીમાં વિસર્જન કરવાની મનાઈ છે.
કાંદિવલી-બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ કાઢ્યું હોવાથી ગઈ કાલે મુંબઈગરા હેરાન-પરેશાન થયા
વેસ્ટર્ન રેલવેમાં ગઈ કાલે કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ કાઢ્યું હોવાથી કુલ ૧૦૨ સર્વિસિસ કૅન્સલ કરવામાં આવતાં સવારના પીક અવર્સમાં નોકરી-ધંધા પર જતા હજારો મુંબઈગરાઓએ હેરાનગતિ ભોગવવી પડી હતી. ખાસ કરીને વિરારથી ચર્ચગેટ જતી અને ચર્ચગેટથી વિરાર તરફ જતા ફાસ્ટ ટ્રૅક પરની ટ્રેનોને અસર થઈ હતી. ૧૨ કોચની ૮૩ અને ૧૫ કોચની ૧૪ સર્વિસ કૅન્સલ કરાઈ હતી. કેટલીક AC ફાસ્ટ ટ્રેનો પણ કૅન્સલ કરવામાં આવી હતી. મૂળમાં કાંદિવલી કારશેડના એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ પાસે જ ટ્રૅક કનેકશનને લગતા એન્જિનિયરિંગનું કામ કાઢ્યું હોવાથી આ ટ્રેનો કૅન્સલ કરવામાં આવી હતી. વળી એ ફાસ્ટ ટ્રૅક પરથી જે ટ્રેનો પસાર કરાઈ હતી એ પણ બહુ ધીમી સ્પીડે પસાર કરવામાં આવી હતી. એથી એ ટ્રેન અને એની પાછળની ટ્રેનો મોડી પડી હતી અને લોકોને હાલાકી ભોગવવી પડી હતી
મુંબઈમાં હાઇવે પર બસમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહીં
મલાડમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મંગળવારે સવારે એક ખાનગી બસ આગમાં બળી ગઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જૅમ થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયરબ્રિગેડને સવારે ૧૦ વાગ્યે મલાડ (ઈસ્ટ) માં બ્રિજ પાસે બોરીવલી જતી સ્લીપર કોચ બસમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. બસના આગળના ભાગમાં આગ લાગી ત્યારે બસમાં પ્રવાસીઓ હતા. એ બધાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા એમ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) ઑફિસરે જણાવ્યું હતું. બસમાં સવાર મુસાફરોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી. ફાયરબ્રિગેડના જવાનોએ ૩૦ મિનિટમાં આગ ઓલવી નાખી હતી, પરંતુ ત્યાં સુધીમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
ઘાટકોપરમાં આગ, ૩ કામગાર દાઝ્યા
ઘાટકોપર-વેસ્ટના નારાયણનગરમાં આવેલી એક ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ગઈ કાલે સવારે ૧૦.૨૨ વાગ્યે આગ ફાટી નીકળી, જેમાં ૩ કામગારો દાઝી ગયા હતા. તેમને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) ના જણાવ્યા અનુસાર બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને બે માળની એ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના બીજા માળે આવેલા ગાર્મેન્ટ બનાવતા ૨૦૯ નંબરના ગાળામાં આગ ફાટી નીકળી હતી. આ આગમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, પંખા, ઇસ્ત્રી, સ્ટીમર, લાકડાનું ફર્નિચર, સિલાઈ મશીન, કપડાંનો મોટો જથ્થો, લોખંડના રૅક, ઑફિસ ફાઇલ વગેરે બધું જ બળીને ખાખ થઈ ગયું હતું. અંદાજે ૧૦૦૦ સ્ક્વેર ફીટનો વિસ્તાર આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આ આગમાં ૩૦ વર્ષનો રિયાઝુદ્દીન ૬૦ ટકા, ૫૦ વર્ષનો વલાયત અલી ૩ ટકા અને ૫૧ વર્ષનો હદ્દીસ અલી ૩૦ ટકા દાઝી ગયા હતા. તેમને પહેલાં રાજાવાડી હૉસ્પિટલ લઈ જવાયા હતા. જોકે એ પછી એ ત્રણે જણે રાજાવાડી હૉસ્પિટલના ડૉક્ટરની સૂચનાઓ અવગણી ડિસ્ચાર્જ લઈ લીધો હતો.
મુંબઈ કસ્ટમ વિભાગે દરિયાની વચ્ચે જઈને કાર્ગો બાર્જમાંથી ૧૮૦ ટન ડીઝલ જપ્ત કર્યું
મુંબઈ કસ્ટમ્સે દરિયામાં એક કાર્ગો બાર્જમાંથી પાણીની ટાંકીઓમાં છુપાવીને રાખેલું ૧૮૦ ટનથી વધુ ડીઝલ જપ્ત કર્યું હતું. ડીઝલની દાણચોરીના આરોપસર શિપના માસ્ટર અને શિપના માલિકના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. બાતમીને આધારે કસ્ટમ્સના અધિકારીઓએ રવિવારે કાર્ગો જહાજ MV ટીના ૪ પર દરોડો પાડ્યો હતો. અધિકારીએ આપેલી માહિતી મુજબ વિદેશી જહાજોમાંથી દાણચોરી કરીને લાવવામાં આવેલા હાઈ-સ્પીડ ડીઝલ બાર્જમાં મળી આવ્યું હતું. આ રીતે કસ્ટમ ડ્યુટી બચાવીને લાવવામાં આવેલું ડીઝલ સ્થાનિક દરિયાકાંઠાની બોટ અને ફૅક્ટરીઓને સપ્લાય કરવામાં આવે છે. માસ્ટર, એન્જિનિયર અને શિપિંગ લાઇનના રીપ્રેઝન્ટેટિવ્ઝનાં રેકૉર્ડ કરાયેલાં નિવેદનો મોડસ ઑપરેન્ડી દર્શાવે છે જેમાં એક પાણીની ઇન્ડિયન રજિસ્ટર ઑફ શિપિંગ (IRS) દ્વારા મંજૂર કરાયેલ ડિઝાઇનનો ભાગ ન હોવાનું જાણવા મળ્યું છે. લાંબા સમયથી ચાલતા દાણચોરી-રૅકેટમાં સંડોવાયેલા લોકોની માહિતી માટે પૂછપરછ ચાલુ છે.
આસામમાં બે સમુદાયો વચ્ચે ફરી અથડામણ: કોકરાઝારમાં ચોકીઓને આગ ચાંપી, હાઇવે બ્લૉક કર્યા ઇન્ટરનેટ બંધ; મૉબ-લીન્ચિંગમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો

આસામના કોકરાઝારમાં બોડો સમુદાય અને આદિવાસીઓ વચ્ચે અથડામણ થયા બાદ બન્ને સમુદાયોએ ઘરો અને કારીગાંવ પોલીસ ચોકીને આગ ચાંપી દીધી હતી. મોડી રાત્રે થયેલા ટોળાના હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ટોળાએ કારીગાંવ નજીક ટાયરો સળગાવી અને નૅશનલ હાઇવેને જામ કરી દીધો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતી જોઈને પ્રશાસને રૅપિડ ઍક્શન ફોર્સ તહેનાત કરી હતી. સાવચેતીના ભાગરૂપે આગામી સૂચના સુધી આ સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ ઍક્સેસ પણ સ્થગિત કરવામાં આવી છે.
અયોધ્યા, કાશી, સંભલ અને સોમનાથની જેમ આક્રમણખોરોએ અજમેરનું શિવમંદિર નષ્ટ કરીને દરગાહ બનાવ્યાનો દાવો કરતી અરજી કોર્ટે સ્વીકારી
રાજસ્થાન સરકારના પુરાતત્ત્વ ખાતા, કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ ખાતાને નોટિસ આપી: ૨૧ ફેબ્રુઆરીએ થશે આગામી સુનાવણી
મહારાણા પ્રતાપ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજવર્ધન સિંહ પરમાર તરફથી સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહમાં શિવમંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના વકીલ એ. પી. સિંહ દ્વારા સિવિલ કોર્ટમાં કરવામાં આવેલી અરજી સોમવારે સ્વીકારી લેવામાં આવી હતી. કોર્ટે આ મામલે રાજસ્થાન સરકારના પુરાતત્ત્વ ખાતા અને કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને પર્યટન ખાતાને નોટિસ આપીને આગામી સુનાવણી ૨૧ ફેબ્રુઆરીએ રાખી છે. અરજીમાં દરગાહની અંદર શિવમંદિર હોવાનો દાવો કરતા સંબંધિત દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે અયોધ્યા, કાશી, સંભલ, સોમનાથની જેમ આક્રમણખોરોએ પૃથ્વીરાજ ચૌહાણની નગરી અજમેરમાં આવેલા મહાદેવ મંદિરને નષ્ટ કરીને ત્યાં દરગાહ બનાવી હતી.
પૂરતું વળતર ન મળતાં માઘમેળામાં સફાઈ-કર્મચારીઓ હડતાળ પર

સંગમનગરી પ્રયાગરાજમાં માઘમેળા દરમ્યાન સફાઈ કરનાર કર્મચારીઓ માગણીઓને લઈને હડતાળ પર ઊતર્યા હોવાથી મેળા ક્ષેત્રમાં સફાઈવ્યવસ્થા ખૂબ પ્રભાવિત થઈ હતી. હરિહર આરતી સ્થળે સફાઈ-કર્મચારીઓએ કચરો ફેલાવીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું.


