પ્રથમ ચરણમાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના સાધુઓના સાંનિધ્યમાં આશીર્વચનો મેળવવાના કાર્યક્રમનું આયોજન થયું
ગ્રોમાનાં ૧૨૫ વર્ષની ઉજવણી સ્વરૂપ નવા લોગોનું અનાવરણ કરી રહેલા બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના સાધુ આનંદવિહારીદાસજી સ્વામી તથા સાધુ આત્મભૂષણદાસજી સ્વામી સાથે ગ્રોમાના પદાધિકારીઓ.
નવી મુંબઈના વાશીમાં આવેલી એપીએમસી માર્કેટની દાણાબજારની ગૌરવશાળી સંસ્થા ધ ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (ગ્રોમા)ની સ્થાપનાને ગઈ કાલે ૧૨૫ વર્ષ પૂરાં થયાં હતાં. આ નિમિત્તે ગઈ કાલે ‘બિનું સત્સંગ વિવેક ન હોઈ, રામકૃપા બિન મિલે ન સોઈ’ આ પંક્તિને સાર્થક કરવા ઉજવણીના પ્રથમ ચરણમાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના સાધુ આનંદવિહારીદાસજી સ્વામી તથા સાધુ આત્મભૂષણદાસજી સ્વામીના સાંનિધ્યમાં આશીર્વચનો મેળવવા એક કાર્યક્રમનું આયોજન ગ્રોમા સંસ્થાના વેલજી લખમશી નપુ - ગ્રોમા હૉલમાં બપોરે ૩.૩૦ વાગ્યાથી કરવામાં આવ્યું હતું. એમાં સંતોનું આગમન તથા સ્વાગત, દીપપ્રાગટ્ય, સંસ્થાનાં ૧૨૫ વર્ષની ઉજવણી સ્વરૂપ નવા લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. એમાં સંતોએ સૌને આશીર્વચનો આપ્યાં હતાં.
અમે આ પ્રસંગની હર્ષોલ્લાસપૂર્વકની ઉજવણી આખા વરસ દરમિયાન કરવાનું નક્કી કર્યું છે એમ જણાવતાં ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ૧૨૫ વર્ષની ઉજવણીમાં વેપાર સાથે સંકળાયેલા સર્વે ઘટકોનાં વ્યક્તિ તરીકે જીવનનાં આર્થિક, શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક એમ બધાં પાસાંને આવરીને સર્વાંગી ઉત્કર્ષ માટેના કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. ગઈ કાલે અમે સત્સંગનો આનંદ મેળવવા, ધન્યતાનો અનુભવ કરવા અને પ્રસંગની શોભા વધારવા બજારના સર્વે ઘટકોને ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રોમા સંસ્થાના પ્રમુખ શરદ મારુ, ઉપપ્રમુખ મહેન્દ્ર ગજરા, અમૃતલાલ જૈન, જયંત ગંગર, મનીષ દાવડા અને એપીએમસીના સદસ્ય નીલેશ વીરા તથા અન્ય કમિટી મેમ્બરો અને સર્વે વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.’