એક સપ્તાહમાં મુસાફરો પાસેથી ૧૨.૪૬ કિલો છૂટક તમાકુ પકડાયું
બન્ને મેટ્રોમાંથી પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી
રાજ્ય સરકાર મુસાફરી સરળ બનાવવા માટે વિવિધ શહેરોમાં મેટ્રો નેટવર્કને વધુ મજબૂત બનાવવાની યોજના હાથ ધરે છે, પણ મુસાફરો અમુક વાર તેમને મળતી સુવિધાનો ગેરલાભ ઉઠાવે છે. પુણે મેટ્રોની પણ મુસાફરોએ આવી જ હાલત કરી છે. પાનની પિચકારીઓ મારીને મેટ્રો સ્ટેશનો ગંદાં કરવામાં આવતાં હવે પુણે મેટ્રો પ્રશાસને કડક કાર્યવાહી શરૂ કરી છે.
પુણે મેટ્રો શરૂ થયાના એક જ વર્ષમાં કુલ ૧૦ કરોડ મુસાફરોએ મેટ્રોમાં મુસાફરી કરી છે. મુસાફરો વધતાં મેટ્રો સ્ટેશનો પર ગંદકી વધવાની ફરિયાદો પણ મળી છે. તેથી મેટ્રોમાં મુસાફરી કરતાં પહેલાં જ મુસાફરોની તપાસ કરીને તેમની પાસેથી તમાકુ અને ગુટકા જેવી ચીજો કઢાવી લેવામાં આવે છે. આ કાર્યવાહી હેઠળ ૨૨થી ૨૯ સપ્ટેમ્બર દરમ્યાન ૧૨.૪૬ કિલો છૂટક તમાકુ, ૯૮૬ પાઉચ ગુટકા, ૧૩૨૫ લાઇટર્સ અને માચીસ તથા અન્ય પ્રતિબંધિત વસ્તુઓ પકડવામાં આવી હતી. મહા-મેટ્રો પુણે દ્વારા પ્રતિબંધિત વસ્તુઓ લઈને મેટ્રોમાં ટ્રાવેલ કરવા બદલ ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવે છે.
ADVERTISEMENT
પુણેમાં અત્યારે PCMCથી સ્વારગેટ (પર્પલ લાઇન) અને વનાઝથી રામવાડી વચ્ચે બ્લુ લાઇન મેટ્રો ચાલે છે. બન્ને મેટ્રોમાંથી પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. બ્લુ લાઇનમાંથી ૮.૭૩ કિલો તમાકુ પકડવામાં આવ્યું હતું.
- અર્ચના દહીવાલ


