અમદાવાદમાં જૈન સમાજ જબરજસ્ત વિરોધ કરવા સજ્જ થઈ રહ્યો છે : હ્યુમન રાઇટ્સ કમિશનમાં નેક્સ્ટ સુનાવણી ૨૨ ડિસેમ્બરે
ફિલ્મનું દ્રશ્ય
ઑક્ટોબર મહિનાના અંતમાં રિલીઝ થનારી ‘1080 - ધ લેગસી ઑફ મહાવીર’ ફિલ્મનો શ્વેતાંબર જૈન સમાજ જબરદસ્ત વિરોધ કરી રહ્યો છે. ગઈ કાલે હ્યુમન રાઇટ્સ કમિશનમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કમિશન દ્વારા ફિલ્મની સામે ગઈ કાલ સુધીનો સ્ટે આપવામાં આવ્યો હતો. ગઈ કાલની સુનાવણીમાં હવે પછીની સુનાવણીની તારીખ ૨૨ ડિસેમ્બરની આપવામાં આવી હતી. આ દરમિયાન આ ફિલ્મનો વિરોધ દેશભરના જૈન સમાજમાં અને સોશ્યલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં તો આ ફિલ્મની વિરુદ્ધમાં જૈન સમાજે રોડ પર ઊતરવાની તૈયારી કરી લીધી છે.
શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન અને અન્ય શ્વેતાંબર જૈન સમાજ મુખ્યત્વે આ પિક્ચરમાં ભગવાન શ્રી મહાવીરસ્વામી પ્રભુ, ગણધર ભગવંતો અને પૂજ્ય સાધુભગવંતોનાં પાત્રો ઍક્ટરો દ્વારા ભજવવામાં આવી રહ્યાં છે એની સામે જબરદસ્ત વિરોધ કરી રહ્યાં છે. આ ફિલ્મ રિલીઝ થતી રોકવા માટે મુંબઈ જૈન સંઘ સંગઠન હ્યુમન રાઇટ્સ કમિશનમાં ગયું હતું. હ્યુમન રાઇટ્સ કમિશનમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કમિશન દ્વારા ફિલ્મની સામે ગઈ કાલ સુધીનો સ્ટે આપવામાં આવ્યો હતો. ગઈ કાલની સુનાવણીમાં હવે પછીની સુનાવણીની તારીખ ૨૨ ડિસેમ્બરની આપવામાં આવી હતી. ગઈ કાલે શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠને રાજ્ય સરકારને પાર્ટી બનાવીને નવી ઍફિડેવિટ ફાઇલ કરી હતી, જેને હ્યુમન રાઇટ્સ કમિશને સ્વીકારી હતી. નવી સુધારેલી પ્રત જૂની અને નવી બધી જ પાર્ટીને હાથોહાથ અથવા રજિસ્ટર્ડ એડીથી પહોંચાડવાની કમિશને સૂચના આપી હતી. આ સુનાવણીમાં સીબીએફસી કેન્દ્ર સરકારના બ્રૉડ્કાસ્ટિંગ મિનિસ્ટી તરફથી કોઈ જ વકીલો હાજર રહ્યા નહોતા, પરંતુ ફિલ્મના પ્રોડ્યુસર મહાવીર ટૉકીઝ વગેરેના વકીલો ઑનલાઇન હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
આ બાબતની માહિતી આપતાં સંગઠનના અગ્રણી કાર્યકર અતુલ વ્રજલાલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કમિશનમાં સુનાવણી ચાલી રહી છે એ દરમિયાન આ પિક્ચરમાં ભગવાન, ગણધરો અને સાધુભગવંતનું પાત્ર બૉલીવુડના ઍક્ટરો ભજવી રહ્યા છે એનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના ટ્રસ્ટી અશોક કોરડિયા અને શ્રી જાંબલી ગલી જૈન સંઘ - બોરીવલીના ટ્રસ્ટી સ્નેહલ શાહે આ પિક્ચરનો વિરોધ કરતું એક આવેદનપત્ર બાંદરાની કલેક્ટર ઑફિસમાં આપ્યું હતું. તેમણે તેમના વિરોધનામામાં સ્પષ્ટ કર્યું હતું કે આ પિક્ચર રિલીઝ થશે તો જૈનોની ધાર્મિક લાગણી દુભાવાને કારણે વાતાવરણ ડહોળાઈ શકે છે. શાંતિ અને અહિંસક જૈન સમાજે આ ફિલ્મના વિરોધમાં નાછૂટકે રસ્તા પર ઊતરવું પડશે.’
અતુલ શાહે વિરોધની બાબતમાં વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ ફિલ્મના વિરોધમાં શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન તરફથી સંગઠનના કન્વીનર નીતિન વોરા અને તેમના પ્રતિનિધિમંડળે ઓલ્ડ કસ્ટમ હાઉસમાં આવેદનપત્ર આપ્યું હતું. ત્યાં હાજર રહેલા સરકારી અધિકારીઓને નીતિન વોરાએ સંગઠન અને જૈન સમાજ આ પિક્ચરનો કેમ વિરોધ કરી રહ્યાં છે એની વિસ્તૃત જાણકારી આપી હતી. આવી જ રીતનો વિરોધ અમદાવાદ જૈન સંઘ સંગઠન પણ કરી રહ્યું છે. અમદાવાદમાં તો આ ફિલ્મનો જબરદસ્ત વિરોધ કરવા માટે જૈન સમાજ દ્વારા વિરોધ-પ્રદર્શનની અત્યારથી જ તૈયારી થઈ રહી છે. સુરત ઉમરા જૈન સંઘના પરેશભાઈએ આ ફિલ્મનો વિરોધ કરતું આવેદનપત્ર ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને આપીને તેમને આ વિરોધની વાતો દિલ્હીમાં બ્રૉડ્કાસ્ટિંગ મિનિસ્ટ્રી સુધી પહોંચાડવા તાકીદ કરી છે. આ ફિલ્મ સામે જૈન સમાજ તરફથી સોશ્યલ મીડિયામાં પણ વિરોધ વાઇરલ કરવામાં આવ્યો છે, કેમ કે જૈન સંઘોની પરંપરા પ્રમાણે પિક્ચરોમાં કે અન્ય સોશ્યલ મીડિયામાં કોઈ વ્યક્તિગત પાત્ર તીર્થંકર આદિનાં પાત્રો ભજવે તો તેઓ કોઈ પણ સંજોગોમાં એને ન્યાય ન આપી શકે તેથી એ પવિત્ર પાત્રોનું અવમૂલ્યાંકન થાય છે. આવાં પાત્રો કોઈ વ્યક્તિએ ભજવવાં જોઈએ નહીં. આથી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા આ ફિલ્મની સામે હ્યુમન રાઇટ્સ કમિશનમાં ઍપ્લિકેશન કરવામાં આવી હતી.’
હ્યુમન રાઇટ્સમાં શું કામ?
શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠને ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી ઍક્ટ ૬૯-એ હેઠળ સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટને જ્યારે કોઈની ધાર્મિક લાગણી દુભાતી હોય ત્યારે આવાં પિક્ચરોને અટકાવવાની તેમની સત્તા છે એ વાતને ધ્યાનમાં લઈને હ્યુમન રાઇટ્સ કમિશનમાં એક ઍપ્લિકેશન કરી છે, જેની સુનાવણી આજે હાથ ધરવામાં આવશે. અગાઉ સર્વોચ્ચ અદાલતે પણ શાસ્ત્રવચનો હોય અને પરંપરા ચાલી આવતી હોય એવા સમયે એ શાસ્ત્રાજ્ઞાને માન્ય રાખવાની છૂટ આપેલી છે.
આ પિક્ચરમાં શું છે?
આ પિક્ચરની અંદર ૧૧મી સદીના સમયમાં જે કંઈ નબળાઈઓનો પ્રવેશ થયો હતો એને દૂર કરવા એ વખતના પૂજ્ય ગુરુભગવંતોએ શું મહેનત કરી અને એ દ્વારા શ્રી મહાવીરપ્રભુનો વારસો કેવી રીતે ટકાવી રાખ્યો એ દર્શાવવા માટે ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિન પીયૂષસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબના માર્ગદર્શન હેઠળ આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. એના ડિરેક્ટર અભિષેક માલુ છે અને મહાવીર ટૉકીઝ, મલાડ દ્વારા આ પિક્ચર રિલીઝ થવાનું છે.
સમગ્ર જૈન સંતોનો વિરોધ
તપાગચ્છીય પ્રવર સમિતિએ તેમ જ બે તિથિના વરિષ્ઠ આચાર્ય ભગવંતોએ તેમ જ પાર્શ્વગચ્છના વરિષ્ઠ ઉપાધ્યાય ભગવંતે તેમ જ ત્રિસ્તુતિકના વરિષ્ઠ આચાર્ય ભગવંતે તેમ જ અચલગચ્છના ગચ્છાધિપતિશ્રીએ એકમતે પત્ર લખીને આ પિક્ચર રિલીઝ ન થાય એવું સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું. આમ છતાં તેઓ ગઈ કાલે આ ફિલ્મ રિલીઝ કરવાના હતા. એટલું જ નહીં, ખરતરગચ્છીય ગચ્છાધિપતિ આચાર્યશ્રી જિણમણિપ્રભુસૂરિજીએ પણ પોતાના જ સમુદાયના અને આ પિક્ચરના માર્ગદર્શક શ્રી જિન પીયૂષસાગરસૂરિજી મહારાજસાહેબને જણાવ્યું છે કે જ્યાં સુધી ઉપરોક્ત બધા આચાર્ય ભગવંતોના મનમાં ઉદભવેલી બાબતોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી આ પિક્ચર રિલીઝ ન કરવું.