મહારાષ્ટ્રના ૧૧૪ જેટલા પ્રવાસીઓ નેપાલમાં, ૫૩ સુરક્ષિત હોવાની માહિતી
પ્રતીકાત્મક તસવીર
નેપાલના પૂરગ્રસ્ત વિસ્તારમાં અટવાયેલા નાગપુરના ૧૦૬ જેટલા પ્રવાસીઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તક્ષેપ બાદ કાઠમાંડુથી બિહારના દાનાપુર જવા માટે સુરક્ષિત રીતે રવાના થઈ ગયા છે અેમ મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા ગુરુવારે સાંજે જણાવવામાં આવ્યું હતું.
આ પહેલાં રાજ્યના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ઓછામાં ઓછા ૧૧૪ જેટલા પ્રવાસીઓ નેપાલમાં અટવાયા હતા જેમાંથી ૫૩ સુરક્ષિત હોવાની પુષ્ટિ થઈ હતી.
દેવેન્દ્ર ફડણવીસે નેપાલના સંસદસભ્ય સંદીપ રાણા સાથે વાતચીત કરી હતી જેમણે ૧૦૬ લોકોને કાઠમાંડુથી જનકપુર પહોંચાડવા માટે ૪ મિની-બસની વ્યવસ્થા કરી હતી. શુક્રવારે સવારે તેઓ જનકપુર-બિહાર સરહદે પહોંચે એવી શક્યતા છે.
ADVERTISEMENT
બિહારના દાનાપુર સુધીની આગળની મુસાફરી માટે પણ બસની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાંથી તેઓ ટ્રેન દ્વારા પરત ફરશે. સાંજે ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નેપાલમાં અટવાયેલા પ્રવાસીઓના સંપર્કમાં છે અને તેમને પાછા લાવવા માટે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહી છે. હાલમાં ત્યાં કેટલા પ્રવાસીઓ અટવાયેલા છે અેનો કોઈ સચોટ આંકડો રાજ્ય સરકાર પાસે ન હોવાનું પણ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. સવારે સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન્સ સેન્ટરે માહિતી આપી હતી કે મહારાષ્ટ્રના ૬૧ પ્રવાસીઓ રિચા ટૂર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ટૂર એજન્સી દ્વારા નેપાલ ગયા હતા, જ્યારે બાકીના પ્રવાસીઓ પોતાની રીતે યાત્રા કરી રહ્યા હતા.
