આ ૧૦ દીપડાઓને જુન્નરથી વનતારા લઈ જવાયા હતા. બે ઍમ્બ્યુલન્સમાં ૧૦ દીપડાને લઈ જવાયા હતા
જુન્નર
મહારાષ્ટ્રના જુન્નર જિલ્લામાં પકડાયેલા ૧૦ દીપડા (ચાર માદા અને છ નર)ને હવે જામનગરના વનતારા શેલ્ટરમાં ટ્રાન્સફર કરાયા છે. ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ (જુન્નર) અમોલ સાતપુતેએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘માર્ચથી મે દરમ્યાન આ દીપડાઓને માનવવસ્તીમાં આવીને હુમલો કર્યા બાદ પકડી લેવાયા હતા. જુન્નરમાં સમાવવાની પૂરતી વ્યવસ્થા ન હોવાથી રાજ્યના અન્ય સેન્ટરમાં એમને રાખવાની શક્યતા તપાસાઈ હતી.
જોકે એમાં પણ સફળતા ન મળતાં એમને હવે જામનગરના વનતારામાં શિફ્ટ કરાશે. સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી દિલ્હીથી એ માટે પરવાનગી આપવામાં આવી છે. અનંત અંબાણીએ શરૂ કરેલો વનતારા પ્રોજેક્ટ ૩૦૦૦ એકરમાં ફેલાયેલો છે અને એમાં દેશભરમાંથી ૨૦૦૦ જેટલાં પ્રાણીઓને બચાવીને લાવવામાં આવ્યાં છે. ઍર-કન્ડિશન્ડ ઍમ્બ્યુલન્સમાં આ ૧૦ દીપડાઓને જુન્નરથી વનતારા લઈ જવાયા હતા. બે ઍમ્બ્યુલન્સમાં ૧૦ દીપડાને લઈ જવાયા હતા, એક ઍમ્બ્યુલન્સ સ્ટૅન્ડ બાય રાખવામાં આવી હતી.

