૧૯૮૮ના બૅચના આઇપીએસ ઑફિસર અને રાજ્યના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ રજનીશ સેઠ ૩૧ ડિસેમ્બરે નિવૃત્ત થવાના હતા,

દેવેન્દ્ર ફડણવીસનાં વિશ્વાસુ રશ્મિ શુકલા બન્યાં રાજ્યનાં પોલીસવડા
મુંબઈ : ૧૯૮૮ના બૅચના આઇપીએસ ઑફિસર અને રાજ્યના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ રજનીશ સેઠ ૩૧ ડિસેમ્બરે નિવૃત્ત થવાના હતા, પણ તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં સરકારે તેમને મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ના ચીફ તરીકે નિયુક્તિ કરી છે. તેમની જગ્યાએ હાલ કેન્દ્રમાં સશસ્ત્ર સીમા બળનાં ડિરેક્ટર જનરલના હોદ્દા પર ફરજ બજાવી રહેલાં આઇપીએસ ઑફિસર રશ્મિ શુકલાની વરણી રાજ્યનાં ડીજીપી તરીકે કરવામાં આવી છે. રજનીશ સેઠ બાદ સિનિયૉરિટીમાં રશ્મિ શુકલા સૌથી સિનિયર ઑફિસર છે. તેમને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના વિશ્વાસુ માનવામાં આવે છે.
બે દિવસ પહેલાં જ રશ્મિ શુકલા સામે સીબીઆઇએ નોંધાવેલી ફરિયાદના સંદર્ભે કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ આપ્યો હતો જે કોર્ટે માન્ય રાખ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. રશ્મિ શુકલા જૂન ૨૦૨૪માં નિવૃત્ત થવાના છે.
રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન હતા ત્યારે રશ્મિ શુકલા રાજ્યના પોલીસ વિભાગના ઇન્ટેલજિન્સ ડિપાર્ટમેન્ટનાં વડાં હતાં. એ વખતે તેમણે વિરોધ પક્ષના અનેક નેતાઓ અને સરકારી અધિકારીઓના ફોન ટૅપ કર્યા હોવાનો આરોપ થયો હતો.

